બિગબુલ-મહારથીઓ આજે મોટું તોફાન મચાવશે ?
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ : અમેરિકી શેર બજારોમાં ગઈકાલે નાસ્દાક, ડાઉ જોન્સમાં કડાકા પાછળ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ધોવાણ થયું હતું. ડેરિવેટીવ્ઝમાં એપ્રિલ વલણના આવતીકાલે ગુરૂવારે અંત પૂર્વે ફંડો, મહારથીઓએ ગઈકાલે રિલાયન્સની આગેવાનીએ બતાવેલી છેતરામણી શોર્ટ કવરિંગી તેજી અપેક્ષિત અલ્પજીવી નીવડી આજે ફરી બજારોમાં પીછેહઠ જોવાઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રૂ.૨૮૨૮ની નવી વિક્રમી ઊંચાઈનો ઈતિહાસ રચાયા સાથે માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૯ લાખ કરોડની સપાટીને પાર કરી ગયા સાથે પસંદગીના આઈટી, મેટલ શેરોમાં મજબૂતી અને બજાજ ફાઈનાન્સના પ્રોત્સાહક ચોથા ત્રિમાસિકા પરિણામ છતાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ સહિત બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓફલોડિંગ થતાં અને ફાર્મા, સિમેન્ટ, આઈટી અન્ય શેરોમાં વેચવાલીએ સેન્સેક્સે ૫૭૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૫૬૫૮૪.૦૪ સુધી આવી અંતે ૫૩૭.૨૨ પોઈન્ટ ઘટીને ૫૬૮૧૯.૩૯ અને નિફટી સ્પોટ ૧૭૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૧૬૯૫૮.૪૫ સુધી આવી અંતે ૧૬૨.૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૦૩૮.૪૦ બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ચાઈનાના સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે મજબૂત રહી આજે સાંજે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૧૦૫.૩૯ ડોલર અને ન્યુયોર્ક નાયમેક્ષ ક્રુડ ૧૦૨.૧૨ ડોલર નજીક રહ્યા હતા.
નિફટી સ્પોટ નવી તેજી માટે ૧૭૮૨૫ ઉપર બંધ જરૂરી
ટેકનીકલી નિફટી સ્પોટ ધોરણે નજીકનો ટ્રેન્ડ ડાઉન બતાવાઈ રહ્યો છે. નજીકના ટર્મમાં ઓવરસોલ્ડ પોઝિશન બતાવાઈ રહી હોવા છતાં ટેકનીકલી નિફટીમાં નજીકમાં નવી તેજીની પોઝિશન માટે નિફટી સ્પોટ ૧૭૮૨૫ ઉપર બંધ આવવો જરૂરી છે.આ દરમિયાન આજે ગુરૂવારે એપ્રિલ વલણનો અંત હોઈ બિગબુલ-મહારથી ફંડો નિફટી બેઝડ મોટું તોફાન મચાવશે એવી બજારમાં ચર્ચા હતી.
બજાજ ફાઈનાન્સના પ્રોત્સાહક પરિણામ છતાં રૂ.૫૨૫ તૂટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ એલઆઈસીના આઈપીઓ માટે મોટી ફંડ જોગવાઈ કરવા મોટાપાયે ઓફલોડિંગ કર્યાની ચર્ચા વચ્ચે બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૩૭.૨૨ પોઈન્ટ તૂટીને ૫૬૮૧૯.૩૯ બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સનો માર્ચ ૨૦૨૨ના અંતના ચોથા ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફોરૂ.૧૩૪૬.૬૪ કરોડની તુલનાએ ૭૯.૬૭ ટકા વધીને રૂ.૨૪૧૯.૫૧ કરોડ અને ચોખ્ખી આવક રૂ.૬૮૫૦.૬૨ કરોડની તુલનાએ ૨૫.૯૨ ટકા વધીને રૂ.૮૬૨૬.૫૭ કરોડ થવા છતાં શેરમાં ફંડોના ઓફલોડિંગે રૂ.૫૨૪.૦૫ તૂટીને રૂ.૬૭૧૬.૬૫ રહ્યો હતો. બજાજ ફિનસર્વ રૂ.૫૯૭.૮૦ તૂટીને રૂ.૧૪,૮૨૮.૫૫ રહ્યો હતો. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૭૩૭.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯ ઘટીને રૂ.૪૯૭ રહ્યા હતા.
ફંડો, ખેલંદાઓ વેચવાલ : ૨૨૭૪ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે વૈશ્વિક બજારો પાછળ ધોવાણ થયા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં અનેક શેરોમાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફરી વેચવાલ બનતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૦૯૬ અને ઘટનારની ૨૨૭૪ રહી હતી.
FPI/FIIની કેશમાં રૂ.૪૦૬૫ કરોડના શેરોની વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ ની આજે બુધવારે કેશમાં રૂ.૪૦૬૪.૫૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૬૩૮૫.૫૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૫૦.૧૩ કરોડની વેચવાલી થઈ હતી.જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૯૧૭.૯૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૪૨૫.૪૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૫૦૭.૯૭ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ ઘટીને રૂ.૨૬૬.૯૮ લાખ કરોડ
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ફરી ધોવાણ સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડો, ખેલંદાઓએ પ્રોફિટ બુકિંગ કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૪૩ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૬.૯૮ લાખ કરોડ પહોંચી ગઈ હતી.
https://ift.tt/ozpUiMy from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YE1nQHK
0 ટિપ્પણીઓ