આઈટીસીમાં ૨૨૦ લોકોના પગાર કરોડથી વધારે
દેશનાં અગ્રણી કોર્પોરેટ ગ્રુપ્સમાંથી એક આઈટીસીમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યા આ વરસે દોઢી થઈ ગઈ છે. કરોડપતિ એટલે કરોડની સંપત્તિના માલિક નહીં પણ વરસે એક કરોડ રૂપિયાથી વધારે પગાર મેળવતા કર્મચારી. ૨૦૨૧-૨૨માં વરસે રૂપિયા ૧ કરોડથી વધુ પગાર મેળવતા હોય તેવા કર્મચારીઓની સંખ્યા ૧૫૩ હતી તે વધીને ૨૨૦ થઈ ગઈ છે. દેશની બીજી કોઈ કંપનીમાં આટલી મોટી સંખ્યામાં કરોડપતિ કર્મચારી નથી.
આ કરોડપતિ કર્મચારીઓમાં આઇટીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી ટોપર છે. સંજીવ પુરીના પગારમાં ગયા વરસે ૫.૩૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે તેમનો પગાર વધીને ૧૨.૫૯ કરોડ રૂપિયા થઈ ગયો છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી સુમંત અને આર ટંડનને અનુક્રમે રૂપિયા ૫.૭૬ કરોડ અને રૂપિયા ૫.૬૦ કરોડ પગાર મળ્યો હતો.
'શ્રીવલ્લી' રશ્મિકા વેગન બ્યુટી બ્રાન્ડમાં ઈન્વેસ્ટર
'પુષ્પા' મૂવીથી દેશભરમાં જાણીતી બનેલી સાઉથની એક્ટ્રેસ રશ્મિકા મંદાના બિઝનેસમેન બની છે. 'પુષ્પા'ની 'શ્રીવલ્લી' રશ્મિકા બ્યુટી એન્ડ પર્સનલ કેર બ્રાન્ડ પ્લમની જાહેરખબરમાં ચમકી પછી એટલી પ્રભાવિત થઈ ગઈ કે કંપનીમાં રોકાણ કરી દીધું ને તેની બ્રાન્ડ એમ્બેસેડર પણ બની ગઈ. કંપનીનો દાવો છે કે, પ્લમ ભારતની પહેલી સો ટકા વેગન બ્યુટી બ્રાન્ડ છે.
રશ્મિકા પૂરી તાકાતથી કંપનીનો પ્રચાર કરી રહી છે, વેગન બ્રાન્ડના ફાયદા સમજાવી રહી છે તેથી બીજા રોકાણકારોની પણ લાઈન લાગી ગઈ છે. કંપનીને બહુ ટૂંકા ગાળામાં ૨૮૦ કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે. અત્યાર સુધીમાં કંપની પાસે ૪૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આવી ગયું છે.
ધોની ફુલટાઈમ બિઝનેસમેન બની જશે
મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટ કારકિર્દી અસ્તાચળે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયેલો ધોની હજુ આઈપીએલમાં રમે છે પણ આઈપીએલમાં એકાદ-બે વર્ષથી વધારે ખેંચે એવી શક્યતા નથી. નિવૃત્તિ પછી ધોની શું કરશે એ નક્કી નથી પણ ધોની જે રીતે એ પછી એક કંપનીઓમાં રોકાણ કરી રહ્યો છે એક જોતાં ક્રિકેટ સંબંધિત કશું કરવાના બદલે ફુલ ટાઈમ બિઝનેસમેન બનીને કામ કરે એવી પૂરી શક્યતા છે.
ધોની અત્યાર સુધી ફૂડ, બેવરેજીઝ, ઓટો, સ્પોર્ટ્સ વગેરે સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરી ચૂક્યો છે. હવે ધોનીએ ડ્રોન બનાવતી કંપની ગરૂડા એરોસ્પેસમાં રોકાણ કર્યું છે. ધોનીનું રોકાણ કેટલું છે એ જાહેર કરાયું નથી પણ સો કરોડનું રોકાણ કર્યું હોવાની વાત છે.
પરમેશ્વરનને સ્વચ્છ ભારત અભિયાન ફળ્યું
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાન્ત ૩૦ જૂને નિવૃત્ત થાય છે. તેમના સ્થાને મોદી સરકારે પરમેશ્વરન આયરની નિમણૂક કરી છે. નરેન્દ્ર મોદીના અત્યંત મહત્વાકાંક્ષી સ્વચ્છ ભારત અભિયાનને લોકપ્રિય બનાવવામાં કેન્દ્રસ્થાને રહેલા પરમેશ્વરનને મહેનતનું ફળ મળ્યું છે. પરમેશ્વરને ડ્રિકિંગ વોટર અને સેનિટેશન મંત્રાલયમાં સચિવ તરીકે મોદીને બહુ પ્રભાવિત કર્યા હતા.
મોદીએ આયોજન પંચને વિખેરીને નીતિ આયોગ બનાવ્યું ત્યારથી અમિતાભ કાન્ત સીઈઓ હતા. સળંગ છ વર્ષ સુધી સીઈઓ રહ્યા પછી કાન્તે વિદાય લીધી છે. પરમેશ્વરનની પણ કાન્તની જેમ શરૂઆતમાં બે વર્ષ માટે નિમણૂક કરાઈ છે પણ મોદીની નજીક હોવાના કારણે એ પણ કાન્તની જેમ લાંબું ખેંચી કાઢશે એવું લાગે છે.
ક્રેડિટ-ડેબિટ કાર્ડનું ટોકનાઈઝેશન કરાવ્યું ?
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડનું ટોકનાઈઝેશન કરાવવાની મુદત ત્રણ મહિના લંબાવીને ૩૦ સપ્ટેમ્બર કરી છે. મોટા ભાગનાં લોકોને ટોકનાઈઝેશ શું છે તે જ ખબર નથી તેથી પહેલાં તેની વાત કરવી જરૂરી છે. ટોકનાઈઝેશન હેઠળ ગ્રાહક ચોક્કસ ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે પોતાના કાર્ડનો ટોકન નંબર મેળવે છે. આ નંબર બીજા કાર્ડ માટે કે બીજા પ્લેટફોર્મ માટે વાપરી શકાતો નથી. ટોકન નંબર હોય એટલે સીવીવી જેવી સંવેદનશીલ માહિતી આપવાની રહેતી નથી તેથી હેકિંગ દ્વારા છેતરપિંડી થવાનો ખતરો રહેતો નથી એવું મનાય છે. જો કે ટોકનાઈઝેશન ફરજિયાત નથી તેથી ૩૦ સપ્ટેમ્બરની મુદત ચૂકી જવાય તો પણ ચિંતા કરવા જેવી નથી.
સફાઈ કરતો છોકરો ફાસટેગ ખાલી કરી શકે?
ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દાવો કરાયો છે કે, ટ્રાફિક સિગ્નલ પર કાર સાફ કરતો છોકરો સ્માર્ટ વોચનો ઉપયોગ કરીને તમારું ફાસટેગ એકાઉન્ટ ખાલી કરી શકે છે. એનપીસીસીઆઈએ આ વીડિયોને બોગસ ગણાવીને સ્પષ્ટતા કરી છે કે, વીડિયોમાં દાવો કરાય છે એ રીતે પર્સન-ટુ-પર્સન ટ્રાન્ઝેક્શન શક્ય જ નથી તેથી આ બધી વાતોમાં ના આવશો. ફાસટેગ પર્સમ-ટુ-મર્ચન્ટ પ્લેટફોર્મ પર જ કામ કરે છે તેથી એકાઉન્ટ ખાલી થવાની ચિંતા ના કરશો.
સોશિયલ મીડિયા પર પહેલાં આ વીડિયો બનાવનારનાં વખાણ થતાં હતાં. એનપીસીઆઈની સ્પષ્ટતા પછી હવે લોકો વીડિયો બનાવનારને ગેરમાર્ગે દોરવા બદલ જેલમાં પૂરવાની વાતો કરી રહ્યાં છે.
રેલ્વેનું કડક વલણ.. અધિકારીઓનો ઇ-ક્યૂ ટેસ્ટ
સામાન્ય રીતે અધિકારીઓ માટે કોઇ ખાસ ટેસ્ટ નથી હોતો પરંતુ ભારતના રેલ્વે ડિપાર્ટમેન્ટે હવે ૩૬ જેટલી પોસ્ટ માટે ઇ -ક્યૂ ટેસ્ટ ફરજીયાત બનાવ્યા છે. ઇમોશનલ ઇન્ટેલીજન્સ (emotional quotient) ટેસ્ટ લેવાની વાતને ગેઝેટમાં પણ સમાવી છે. આ ટેસ્ટ ઓનલાઇન લેવાશે. જે એક કલાકની હશે. રેલ્વેમાં ૧૨ લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે., તેમના અધિકારી તરીકે કામ કરતા અધિકારીઓને ઇ-ક્યૂ કેવો છે તે સરકાર જાણવા માંગે છે. હાલમાં રેલ્વેમાં એક ડઝન જેટલી ખાલી જગ્યાઓ છે. તેની ભરતી વખતે અધિકારીઓએ ઇ-ક્યૂ ટેસ્ટ આપવો ફરજીયાત બનાવાયો છે. દરેક ખાતામાં અધિકારીઓની નવી ભરતી થાય ત્યારે તેમના માટે પણ આ ટેસ્ટ ફરજીયાત બનાવવાની માંગ ઉઠી છે.
ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારી વધી...
આર્થિક મંદી વચ્ચે પણ આશ્ચર્યજનક રીતે ઔદ્યોગિક ક્ષેત્રે બેરોજગારી ઘટી રહી હોવાનું સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ) એ તેના કન્ઝયુમર પિરામિડ હાઉસહોલ્ડ સર્વેમાં જણાવ્યુ છે. આ સર્વે મુજબ ઔદ્યોગિક ક્ષેત્રે શ્રમિકોની રોજગારીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ હોવાના સંકેત મળ્યા છે. આ એવા પગારદાર કર્મચારીઓ છે જેઓ સામાન્ય રીતે એક કારખાનામાં શ્રમિકો તરીકે કામ કરે છે અને કામ કરતા હોય છે. તેમાં કોઇ કારખાનામાં કામ કરતા એવા શ્રમિકો સામેલ નથી જેઓ દરરોજ મજૂરી મેળવતા હોય પરંતુ કોન્ટ્રાક્ટ લેબરોનો આમાં સમાવેશ થાય છે. આવા કામદારોમાં દુકાન પરના પગારદાર કામદાર, ઇન્સ્ટ્રક્ચર્સ, પ્લાન્ટ ઓપરેટરો, એસેમ્બરલ્સ અને એસેમ્બલી લાઇન ઓપરેટરો, મિલ અને ખાણ કામદારો, ઇન્ડસ્ટ્રીયલ મશીન અને ઇક્વિપમેન્ટના ઓપરેટરનો સમાવેશ થાય છે. હાલ ઔદ્યોગિક ક્ષેત્રે આવા કામદારોની સારી એવી માંગ જોવા મળી રહી છે. મે મહિનામાં શહેરી બેરોજગારી ૧૦.૯૫ ટકાથી ઘટીને ૮.૨૧ ટકા અને ગ્રામીણ બેરોજગારી ૭.૭ ટકાથી ઘટીને ૬.૬૨ ટકા થઇ છે.
https://ift.tt/rQxJMyd from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/i8gha7e
0 ટિપ્પણીઓ