- સુવિધા, મેન્ટેનન્સ અને સુરક્ષા અંગે પગલા જરૂરી
- લોબીમાં અંધારપટ, ભંગારના ખડકલા અને નર્કાગાર બનેલા શૌચાલયથી અધિકારી, કર્મચારી અને અરજદારો ત્રાહિમામ
એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ આવેલ બહુમાળી ભવનમાં સીટી સર્વે, તોલમાપ, ફુડ એન્ડ ડ્રગ, સિંચાઇ, લવાદ કોર્ટ, જિલ્લા સ્પોર્ટસ, મત્સ્ય ઉદ્યોગ, રમત-ગમત, જિલ્લા શિક્ષણાધિકારી, ક્ષાર અંકુશ, એસજીએસટી, સમાજ કલ્યાણ સિવાયની ઘણી કચેરીઓ આવેલ છે અને આ કચેરીઓમાં અરજદારો પણ સતત આવતા-જતા હોય છે પરંતુ આ સરકારી બિલ્ડીંગની હાલત દયનીય બની છે. ભૂતકાળમાં બિલ્ડીંગની લોબીમાં સીલીંગ, લાઇટીંગ, શૌચાલયોનું રિનોવેશન કરાયું હતું પરંતુ હાલના સંજોગોમાં તમામ સુવિધા ખાડે ગઇ છે. લાઇટો સહિત શૌચાલયના નળ પણ ગુમ થયા છે અને અરજદારોને અંધારામાં ચાલવું પડે છે. એટલું જ નહીં કેટલીક કચેરી દ્વારા ઇન્ટરનલ રિનોવેશન કરાતા વધારાના સામાનનો ઢગલો બહાર લોબીમાં કે કોમન ગ્રાઉન્ડમાં કરવામાં આવેલ છે. જેને પણ ખાસ્સો સમય વિતવા છતાં ત્યાંનો ત્યાં જ ધુળ ખાઇ રહ્યો છે જેથી આ સરકારી બિલ્ડીંગ કબાડી માર્કેટ બની રહી છે અને દાદરના કઠોડા પણ હિચકા ખાતા હોય જોખમરૂપ બની ચુક્યા છે. ત્યારે રિનોવેશનની સાથોસાથ બિલ્ડીંગની જાળવણી અને સુરક્ષાની વ્યવસ્થા પણ અનિવાર્ય બની છે. આર એન્ડ બી દ્વારા તમામ કચેરીનું ભાડુ વસૂલી રહ્યું છે ત્યારે સુવિધા પણ આપવી જરૂરી બને છે. સફાઇના કોઇ ઠેકાણા ન હોવાના કારણે દરેક ફ્લોર પરના શૌચાલયો માથુ ફાડી નાખે તેવી દુર્ગંધ મારી રહ્યા છે જેનાથી અધિકારી કર્મચારી માટે ૮ કલાક કચેરીમાં કામ કરવું દુષ્કર બની ગયું છે. શૌચાલયોને ઓટોમેટીક ડોર નાખવાની તેમજ દાદર કેબીન અને લોબીમાં લાઇટની સુવિધા ઉભી કરવી, જે-તે વિભાગના ભંગારનો યોગ્ય નિકાલ કરવા ઉપરાંત સંકુલની નિયમિત સફાઇ કરાવવા પણ માંગણી ઉઠવા પામી છે. જ્યારે એકમાત્ર ગેટ બહાર પણ મસમોટા ખાડા પડી જતા મુખ્ય માર્ગને અડીને અકસ્માતની પણ બીક રહેવા પામે છે. જે રસ્તો પણ પેવર કરવો જરૂરી બન્યો છે.
https://ift.tt/kmLzht9
0 ટિપ્પણીઓ