- બહુ ગાજેલી આરઆરઆર અને કાશ્મીર ફાઈલ્સની બાદબાકી
- સૌરાષ્ટ્રના એક ગામનાં બાળકના સિનેમા પ્રેમની કથા કહેતી 'છેલ્લો શો' અગાઉથી જ અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એવોર્ડઝ જીતી ચુકી છે
મુંબઈ : ભારત દ્વારા ઓસ્કર એવોર્ડની સ્પર્ધામાં દેશની સત્તાવાર એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતી મૂળના પરંતુ હોલીવૂડમાં એક્ટર-ફિલ્મ સર્જક તરીકે નામના કમાનારા પાન નલિનની આ ફિલ્મ પહેલેથી જ અનેક આંતરરાષ્ટ્રીય સન્માનો મેળવી ચૂકી છે.
હોલીવૂડના મીડિયામાં ભારતીય ફિલ્મ 'આરઆરઆર' આ વખતે ઓસ્કરમાં એવોર્ડ મેળવી શકે છે તેવી ચર્ચાઓ લાંબા સમયથી ચાલે છે તેવી અટકળો હોવાથી આરઆરઆર કદાચ ભારતની સત્તાવાર એન્ટ્રી હોઈ શકે તેમ મનાતું હતું. તેની સાથે 'કશ્મીર ફાઈલ્સ' પણ સ્પર્ધામાં હતી. જોકે, ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ તમામ અટકળો ખોટી પાડીન ેતથા એક રીતે ભારતભરના સિને રસિકોને આશ્ચર્યમાં મુકીને 'છેલ્લો શો'ને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવાની ઘોષણા કરી હતી.
ભારતમાં આ ફિલ્મ આગામી તા. ૧૪ ઓક્ટોબરે રજૂ થવાની છે. જોકે, તે પહેલાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં તે રજૂ થઈ ચુકી છે. તેનું ગ્લોબલ પ્રિમિયર ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાયું હતું. સ્પેનમાં યોજાયેલા ૬૬મા વલ્લાડોલીડ ફિલ્મ ફેસ્ટિવલમાં તેને ગોલ્ડન સ્પાઈક સન્માન પણ પ્રાપ્ત થયું હતું.
આ ફિલ્મ પાન નલીનનાં પોતાનાં બાળપણના અનુભવો પર આધારિત છે. નવ વર્ષનો સમય નામનો બાળક થિયેટરમાં પ્રોજેક્ટ ચલાવતા ટેકનિશિયન સાથે સંબંધ કેળવે છે અને અહીંથી તેની સિનેમા પ્રેમની યાત્રા શરુ થાય છે. સૌરાષ્ટ્રનાં એક નાનાં ગામનું બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દિપેન રાવલ તથા પરેશ મહેતા જેવા કલાકારોએ અભિનય કર્યો છે.
https://ift.tt/gxk2faP from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CSzpmyh
0 ટિપ્પણીઓ