એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપ જીતવા ઈચ્છે છે વિરાટ કોહલી, બ્રેકને લઈને કર્યો આ ખુલાસો


નવી દિલ્હી, તા. 20 મે 2022 શુક્રવાર

ભારતીય ક્રિકેટ ટીમના સુપર સ્ટાર વિરાટ કોહલીએ આઈપીએલ બાદ પોતાના પ્લાન અને કરિયરના ખરાબ સમય પર ખુલીને વાત કરી છે. વિરાટે આ દરમિયાન કેટલાક સમય માટે ક્રિકેટમાંથી બ્રેક લેવાની સલાહ પર પણ વાત કરી છે. તેમણે સ્વીકાર કર્યો કે લાંબા સમય સુધી રમવા માટે તેમણે બ્રેક લેવો પડશે. સાથે જ તેમણે એ પણ નક્કી કરવુ પડશે કે ક્યારે બ્રેક લેવો છે અને કેટલા સમય માટે લેવો છે. વિરાટ 2019 બાદથી કોઈ પણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યા નહીં. ગુરુવારની સાંજે તેમણે ગુજરાત વિરુદ્ધ મેચ વિજયી ઈનિંગ રમી. આ સિઝનમાં આ તેમની માત્ર બીજી અડધી સદી હતી.

IPL 2022માં કોહલીએ 20ની એવરેજ અને 118ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. ગુજરાત સામે 54 બોલમાં 73 રનની ઈનિંગ આ સિઝન તેમનો સૌથી મોટો સ્કોર છે. 

શુ હતી રવિ શાસ્ત્રીની સલાહ

પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી કેટલીય વાર વિરાટને આરામ કરવાની સલાહ આપી ચૂક્યા છે. શાસ્ત્રીએ કહ્યુ હતુ કે વિરાટ સતત મેચ રમીને થાકી ચૂક્યા છે અને તેમને કેટલાક સમય માટે આરામ કરવાની જરૂર છે. શાસ્ત્રીના જણાવ્યા અનુસાર કોહલીએ કેટલાક મહિનાનો બ્રેક લેવો જોઈએ. જે બાદ તેઓ ફ્રેશ થઈને વાપસી કરશે તો શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશે. 

વિરાટે શાસ્ત્રી અને બાકી પૂર્વ ખેલાડીઓની સલાહ પર વાત કરતા કહ્યુ, એવુ નથી કે ઘણા બધા લોકો મને આરામ કરવાની સલાહ આપી રહ્યા છે. માત્ર એક વ્યક્તિ છે જે આ વાતને લઈને સતત જોર આપી રહ્યા છે. તે છે રવિ ભાઈ, જેમણે છેલ્લા છ-સાત વર્ષમાં મને નજીકથી ઓળખ્યો છે અને જે પરિસ્થિતિમાં હુ રહ્યો છુ. તેની હકીકત સમજે છે. જેટલી ક્રિકેટ મે છેલ્લા 10-11 વર્ષમાં રમી છે. આ દરમિયાન જે ઉતાર-ચઢાવ આવ્યા છે. મે ત્રણેય ફોર્મેટ અને આઈપીએલ રમી. સતત સાત વર્ષ સુધી કેપ્ટનશિપ પણ કરી.

વિરાટે બ્રેક લેવાની વાત પર આગળ કહ્યુ નિશ્ચિત રીતે આ એક એવી બાબત છે જેની પર ધ્યાન આપવુ જોઈએ. તમે કોઈ એવુ કામ કરવા ઈચ્છતા નથી, જેમાં તમે પોતાને સમગ્ર રીતે સમર્પિત કરી રહ્યા ના હોય. મે હંમેશાથી જ આ બાબત પર વિશ્વાસ કર્યો છે. તેથી બ્રેક લેવો અને ક્યારે લેવો તેની પર મારે ટૂંક સમયમાં નિર્ણય લેવો પડશે પરંતુ આ કોઈની માટે પણ ફાયદેમંદ નિર્ણય હોય છે તમે કેટલાક સમય માટે આરામ કરો અને પોતે માનસિક અને શારીરિક રીતે ફ્રેશ રહો. 

દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરીને બ્રેક લેશે વિરાટ

વિરાટ કોહલીએ આગળ કહ્યુ કે તેઓ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરીને જ ક્રિકેટમાંથી બ્રેક લેશે. તેઓ એવા સમયે ક્રિકેટમાંથી આરામ લેશે, જે ટીમના હિતમાં હોય. વિરાટે એ પણ કહ્યુ કે તેઓ પોતાના ખરાબ પ્રદર્શનથી નિરાશ નથી અને જીવનના આ સમયમાંથી ઘણુ શીખ્યા છે. આ સાથે જ તેમણે કહ્યુ કે તેમને એક ખેલાડી અને એક માણસ તરીકે બધુ જ કરવુ યોગ્ય છે. ઉતાર-ચઢાવ જીવનનો ભાગ છે અને તેમને ખબર છે કે એકવાર લય પકડ્યા બાદ તેઓ કેટલી નિરંતરતાની સાથે રન બનાવી શકે છે. આ સાથે જ વિરાટે કહ્યુ કે એક માણસ તરીકે તેઓ પોતાને ખૂબ મહત્વ આપે છે અને મેદાનમાં પોતાની સિદ્ધિઓના આધારે તેઓ પોતાને આંકતા નથી.  

શુ છે આઈપીએલ બાદનો પ્લાન

વિરાટે કહ્યુ કે તેઓ આઈપીએલ બાદ એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપ જીતવા ઈચ્છે છે. તેઓ ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તેમણે કહ્યુ, મારે સંતુલન જાળવીને આગળ વધવાનુ છે. થોડો આરામ કરવાનો છે. થોડુ પોતાને ફ્રેશ કરવાનુ છે. એકવાર હુ લયમાં પાછો ફરીશ તો મારે પાછળ વળીને જોવાની જરૂર નથી અને આ ઘણુ મજેદાર હશે. મારુ મુખ્ય લક્ષ્ય ભારતને એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાનો છે. હુ પોતાની ટીમ માટે કંઈ પણ કરવા તૈયાર છુ.



https://ift.tt/G1LNzHh from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/o0zrslI

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ