
શિક્ષણ સમિતિની ભટારની શાળામાં કોરોના બાદ હાથ ધોવાના નિયમને આદત બનાવી સાબુ બેંક શરૂ કરી, વિદ્યાર્થીઓ બર્થડેમાં વૃક્ષારોપણ પણ કરે છે
સુરત, તા. 19 જૂન 2022 રવિવાર
સુરતના કોરોનાના દરમિયાન જાહેર કરાયેલા હાથ ધોવાના નિયમને સુરતની એક શાળાએ વિદ્યાર્થીનીઓની આદત બનાવી દીધી છે.સુરતની એક શાળાએ કોરોના બાદ શરૂ થયેલી શાળામાં સાબુ બેંક બનાવી દીધી છે.

આ ઉપરાંત બાળકોમાં જીવ દયા આવે તે માટે પક્ષીઓ માટે ચણ બેંક અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે વૃક્ષારોપણ પણ થાય છે. આ તમામ પ્રવૃત્તિમાં બાળકો સીદા અને લાગણીથી જોડાઈ તે માટે વિદ્યાર્થીઓની બર્થડે નિમિત બનાવી આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ભટારની ડો. સી.એમ. દેસાઈ પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીનીઓની વર્ષગાંઠ આવે ત્યારે શાળા અનોખી રીતે આ વિદ્યાર્થીની બર્થડેની ઉજવણી કરે છે. શાળા દ્વારા બર્થ ડે ગર્લ માટે એક ક્રાઉન સાથે બર્થડે ફોટો માટે ખાસ ખેસ તૈયાર કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીનીની બર્થ ડે હોય તેને આ રૂમમાં જઈને અભિનંદન આપવામાં આવે છે.

બર્થ ડે ગર્લ બર્થડેની ઉજવણી માટે શાળામાં ચોકલેટ કે કેક નથી લાવતી પરંતુ સાબુ લાવે છે અને પક્ષીઓ માટેના ચણ લાવે છે. આ શાળા દ્વારા કોરોના બાદ સાબુ બેંક ઉભી કરવામાં આવી છે તેમાં સાબુ દાન કરવામા આવે છે જ્યારે પક્ષીઓ ના માટે ચણદાન બેંક ઉભી કરવામાં આવી છે તેમાં યથા શક્તિ ચણ પણ આપે છે.

શાળાના આચાર્ય ભૂમિકા પટેલ કહે છે, કોરોના બાદ શાળા ખુલી ત્યારે વિદ્યાર્થીઓને હાથ ધોવા જરૂરી હતી આ માટે સમિતિ દ્વારા હેન્ડ વોશ આપવામાં આવે છે. પરંતુ આ સ્વચ્છતા અને તકેદારીના અભ્યાસમાં અમારી શાળાની વિદ્યાર્થીનીઓ સીધી જોડાય તે માટે અમે સાબુ બેંક બનાવી હતી તેને કાયમી ચલાવવાનો નિર્ણય કર્યો છે.

વિદ્યાર્થીનીઓ બર્થ ડે હોય ત્યારે ચોકલેટ લાવતી હતી તેમને અને વાલીઓને સમજાવી ચોકલેટ ના બદલે સાબુ આપવા સમજાવ્યા હતા. આશ્ચર્યની સાથે તમામ વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ અમારું સૂચન તરત માની લીધું છે. જે પણ વિદ્યાર્થીનીની બર્થ ડે હોય તે ચોકલેટને બદલે સાબુ બેંક માટે ઓછામા ઓછો એક સાબુ લાવે છે અને ચણ બેંક માટે ઓછામાં ઓછી એક મુઠ્ઠી ચણ લાવે છે.

આ પ્રકારની પ્રવૃત્તિ થી વિદ્યાર્થીઓ સ્વચ્છતા અને જીવદયા પાઠ ભણી લે છે તેની સાથે સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે જે વિદ્યાર્થીનીની વર્ષગાંઠ હોય તેની પાસે શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરાવીએ છીએ.

આમ કોરોના વખતે હાથ ધોવાનો નિયમને સમિતિની સ્કુલે હેબીટ બનાવી લેતા હવે આ સ્કુલમાં સાબુ બેંક બનાવી દીધી છે તેના કારણે વિદ્યાર્થીઓ હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણ વખતે સ્કુલમાં વારંવાર હાથ ધોઈ કોરોના સંક્રમણથી દુર રહી રહ્યાં છે.

શાળઓમાં આવતાં મુલાકાતીઓ પાસે પણ સાબુનું દાન લેવામાં આવે છે
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં દાતાઓ વિવિધ પ્રકારના દાન આપી રહ્યા છે તેવી જ રીતે ભટારની આ સ્કુલમાં પણ કમ્યુટર જેવા સાધનો સાથે અન્ય દાન આવી રહ્યાં છે.

જોકે, આ શાળામાં જે લોકો મુલાકાતે આવે છે તેમની પાસે પણ સ્કુલના શિક્ષકો અને આચાર્ય દ્વારા દાનમાં સાબુ વધુમા વધુ આવે તેવો પ્રયાસ કરવામા આવે છે. આ પ્રયાસના કારણે આ શાળાની સાબુ બેંકમાં સતત સાબુઓ આવી રહ્યાં છે અને વિદ્યાર્થીઓ સાબુથી હાથ ધોઈ રહ્યાં છે.

https://ift.tt/209AUrj from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ufoMprG
0 ટિપ્પણીઓ