નવી દિલ્હી, તા. 05 જૂન 2022 રવિવાર
કાશ્મીરમાં થઈ રહેલી ટારગેટ કિલિંગની ઘટનાઓ વિરુદ્ધ આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જન આક્રોશ રેલી કાઢી. જંતર-મંતર પર આ રેલીને સંબોધિત કરતા આપ સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાશ્મીરની પરિસ્થિતિને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ. દિલ્હી સીએમ સિવાય જન આક્રોશ રેલીને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, આપ સાંસદ સંજય સિંહે સંબોધિત કરી.
કેન્દ્રની નીતિઓની ટીકાની સાથે-સાથે અરવિંદ કેજરીવાલે પાકિસ્તાનને પણ આડે હાથ લીધુ. તેમણે પાકિસ્તાન મુદ્દે કહ્યુ કે કાશ્મીર અમારુ હતુ, અમારુ છે અને અમારુ જ રહેશે. તમે છિછોરી હરકતો ના કરો. હિંદુસ્તાન પોતાની પર આવ્યુ તો પાકિસ્તાન બચશે નહીં. આ સિવાય તેમણે કાશ્મીરી પંડિતોની સુરક્ષાને મુદ્દે સરકાર પાસે ચાર માગણી કરી, તેમણે કાશ્મીરમાં થઈ રહેલા ટારગેટ કિલિંગ માટે ભાજપને જવાબદાર ઠેરવ્યુ.
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે 1990 બાદ એકવાર ફરી કાશ્મીરી પંડિત પલાયન માટે મજબૂર છે. કાશ્મીરી પંડિતોનો નરસંહાર થઈ રહ્યો છે અને તેમને અવાજ ઉઠાવવાની પરવાનગી ન આપીને તેમની કોલોનીઓની બહાર તાળુ લગાવી દેવાય છે. આજે કાશ્મીરી પંડિત માત્ર પોતાની સુરક્ષા માગી રહ્યા છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યુ કે જ્યારે પણ કાશ્મીરમાં કોઈ મર્ડર થાય છે તો મીડિયામાં આવે છે કે ગૃહ મંત્રીએ મીટિંગ બોલાવી. અરે કેટલી મીટિંગ બોલાવશો યાર? હવે અમારે એક્શન જોઈએ. દેશને પ્લાન જણાવો. લોકો મરી રહ્યા છે.
કાશ્મીરી પંડિતો માટે અરવિંદ કેજરીવાલે ચાર માગણી કરી છે. પહેલી માગમાં તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર કાશ્મીરી પંડિતો અને સેનાના લોકોના નરસંહારને રોકવાની યોજના દેશની સામે મૂકે. બીજી માગમાં કેજરીવાલે કહ્યુ કે કાશ્મીરી પંડિતોની સાથે સાઈન કરેલો બોન્ડ કેન્સલ કરવામાં આવે. ત્રીજી માગમાં તેમણે કહ્યુ કે કાશ્મીરીઓની તમામ ડિમાન્ડ માનવામાં આવે અને ચોથી માગમાં કેજરીવાલે કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાની માગ કરી.
ભાજપ પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યુ કે જ્યારે-જ્યારે કાશ્મીરમાં ભાજપનુ શાસન આવે છે, કાશ્મીરી પંડિત પલાયન કરવા મજબૂર થઈ જાય છે. આનો અર્થ ભાજપથી કાશ્મીર સચવાતુ નથી એવો થાય. હુ હાથ જોડીને ભાજપના લોકોને પ્રાર્થના કરુ છુ કે કાશ્મીરની સાથે પોલિટિક્સ ના રમો.
તેમણે કહ્યુ કે પીએમ રિલીફ પ્લાન હેઠળ 4500 કાશ્મીરી પંડિતોને નોકરી આપવામાં આવી પરંતુ તેમને બોન્ડ સાઈન કરાવ્યો કે તેમણે નોકરી કાશ્મીરમાં જ કરવી પડશે, ટ્રાન્સફર માગી તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. કાશ્મીરી પંડિત ઘેટા-બકરા થોડી છે. આવો બોન્ડ કેવી રીતે સાઈન કરાવી શકો છો.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eKJzadV https://ift.tt/gyBnVQl
0 ટિપ્પણીઓ