Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: રાજસ્થાનમાં આજથી ધમાકેદાર વરસાદની સંભાવના : IMD

રાજસ્થાનમાં આજથી ધમાકેદાર વરસાદની સંભાવના : IMD


- સમગ્ર રાજ્યમાં સરેરાશના 67 ટકાથી વધુ વર્ષા થઈ છે

- રાજસ્થાનમાં વરસાદનો પહેલો દોર પૂરો થઈ ગયો છે બીજા દોરમાં ભરતપુર, ઉદયપુર, કોટા અને જયપુરમાં વર્ષાની આશા

જયપુર : રાજસ્થાનમાં પહેલા દોરનો વરસાદ થઈ ગયો છે. વરસાદના અભાવે સતત તરસ્યા રાજ્યમાં આ વર્ષે તો નવો વિક્રમ નોંધાવાની શક્યતા છે. હવામાન વિભાગનો વર્તારો જણાવે છે કે, ૩જી ઓગસ્ટથી વચમાં થંભી ગયેલું મોનસૂન ફરી એકશન મોડમાં આવી જશે. પૂર્વ રાજસ્થાનના ભરતપુર, ઉદયપુર, કોટા અને જયપુરમાં ફરી સારો એવો વરસાદ થવાની સંભાવના છે. જોકે પશ્ચિમ વિભાગમાં માત્ર છંટકાવ જ થઈ શકે. અત્યારે તો ત્યાં ઉષ્ણતામાન, ૩૫ ડીગ્રી સેલ્સિયસ જેટલું રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં હજી સુધીમાં થયેલા વરસાદે છેલ્લાં ૬૬ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે જુલાઈ મહિનામાં સમગ્ર રાજસ્થાનમાં સરેરાશ ૨૭૦ મી.મી. વરસાદ નોંધાયો છે. જે હજી સુધીની ૧૬૧.૪ મીમીની સરેરાશ કરતાં ૬૭ ટકા વધુ છે. આ પહેલાં ૧૯૫૬માં જુલાઈ મહીનામાં રાજ્યમાં સૌથી વધુ ૩૦૮.૭ મીમી વરસાદ નોંધાયો હતો. ગત વર્ષે જુલાઈ ૨૦૨૧માં રાજ્યમાં ૧૩૦.૮ મિલીમીટર વરસાદ થયો હતો.

ટૂંકમાં સમગ્ર રાજસ્થાનમાં આ વરસે વરસાદ સારા પ્રમાણમાં નોંધાશે તેમ હવામાન ખાતાનું માનવું છે.

આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે, ભરતપુર, કોટા અને વિશેષતઃ ઉદયપુરમાં થનારા જોરદાર વરસાદને લીધે ઉત્તર ગુજરાત અને વિશેષતઃ ઉત્તર પૂર્વ સ્થિત તારંગા હિલ્સમાં પણ ફરી એક વખત સારો વરસાદ થવાની શક્યતા છે. આ પૂર્વે પણ રાજસ્થાનનાં જોધપુરથી શરૂ કરી આબુ પર્વત અને ગુજરાતના ઉત્તરના ભાગોમાં થયેલા વરસાદને લીધે બનાસમાં તો પૂર આવ્યું હતું. સરસ્વતી પણ બે કાંઠે વહી હતી. કચ્છમાં સરેરાશના ૧૦૦ ટકા વરસાદ થઈ ચૂક્યો છે. હવે આ મોન્સૂન ફરી ગુજરાતને પણ પ્રખાળશે તેમ લાગે છે.



https://ift.tt/vwcSZ30 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/f5CXedp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ