Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: અદાણી જુથની કંપનીઓની ચર્ચા માટે વિપક્ષો અડગ : ધમાલ-ધાંધલ વચ્ચે સંસદના બંને ગૃહોની કાર્યવાહી મોકૂફ

અદાણી જુથની કંપનીઓની ચર્ચા માટે વિપક્ષો અડગ : ધમાલ-ધાંધલ વચ્ચે સંસદના બંને ગૃહોની કાર્યવાહી મોકૂફ


નવી દિલ્હી : અદાણી જુથે આચરેલા કહેવાતા ફ્રોડ અંગે ચર્ચા કરવા સંસદના બંને ગૃહોમાં વિપક્ષોએ ભારે ધમાલ- ધાંધલ મચાવી દીધી હતી અને તે અંગે તપાસ યોજવા તથા સંસદમાં ચર્ચા કરવા સતત આગ્રહ રાખતા છેવટે બંને ગૃહોની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ક્રમ અંગે મહત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે.

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ખડગેની ચેમ્બરમાં ૧૬ વિપક્ષી નેતાઓ મળ્યા : આ મુદ્દે સંસદમાં ચર્ચા અનિવાર્ય હોવાનું નિશ્ચિત કર્યું

૧. આજે સંસદની કાર્યવાહી શરૂ થઈ તે પૂર્વે વિપક્ષી નેતાઓ રાજ્ય સભામાંના મુખ્ય વિપક્ષ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં મળ્યા હતા અને તેમણે અમેરિકા સ્થિત શોર્ટ-સેલર હીડનબર્ગ રીસર્ચ દ્વારા અદાણી જુથની કંપનીઓ અંગે આપેલા અહેવાલ અંગે સંસદમાં ચર્ચા કરવા તથા તે અંગે બંને ગૃહોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવા માંગણી કરી હતી.

૨. આ સાથે તેઓએ સંસદમાં અન્ય તમામ કાર્યવાહી મોકુફ રાખી આ ચર્ચા કરાવવા નિર્ણય લીધો હતો અને એટલી હદે હઠાગ્રહ રાખ્યો હતો કે પરંપરા પ્રમાણે પ્રમુખના પ્રવચનનો આભાર માનતી દરખાસ્ત પણ એક બાજુએ મુકી અદાણી જુથની ચર્ચા માટે અડગ રહ્યા હતા.

૩. ખડગેની ચેમ્બરમાં હાજર રહેલા વિપક્ષોમાં કોંગ્રેસ, ડીએમકે,, શરદ પવારની એનસીપી, કેસીઆરની, ભારત રાષ્ટ્ર સમિતિ, નીતીશનાં જદ (યુ) સપા, સીપીઆઈ, સીપીઆઈ(એમ), કેરાલા કોંગ્રેસ (જોસ-મણી), જેએમએલ, આરએલડી, આરએસપી, આપ, આઈયુએમએલ, રાજદ અને શિવસેનાના સાંસદો સમાવિષ્ટ હતા.

૪. આ સામે સરકારે સતત આગ્રહ રાખ્યો હતો કે રાષ્ટ્રપતિનાં પ્રવચન અંગે આભાર દર્શક પ્રસ્તાવ પહેલા પસાર કરાવવો જ પડે, સરકાર વતી મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પાર્લામેન્ટરી અફેર્સ અર્જુનરામ મેઘવાલે સરકારનાં વલણને યોગ્ય ગણતાં વિપક્ષોનો સામનો કર્યો હતો.

૫. આમ છતાં સંસદમાં ધમાલ ધાંધલ ચાલુ રહેતાં સંસદની કાર્યવાહી મોકુફ રહી હતી.

૬. આ પૂર્વે વિપક્ષી નેતાઓ શુક્રવારે પણ ખડગેની ચેમ્બરમાં મળ્યા હતા. ત્યારે પણ સંસદ ધમાલ ધાંધલને લીધે મોકુફ રહી હતી.

૭. વિપક્ષો ભારતીય અને વિદેશી રોકાણકારોનાં જોખમ પ્રશ્ને પણ ધ્યાન દોર્યું હતું સાથે સંયુક્ત સંસદીય સમિતિ કે સુપ્રીમ કોર્ટના (નિવૃત્ત) ન્યાયમૂર્તિ દ્વારા તપાસ યોજવા જણાવ્યું હતું.

૮. લોકસભાના અધ્યક્ષે તથા રાજ્યસભાના ચેરમેને વિપક્ષોની માગણી સ્વીકારી ન હતી. અધ્યક્ષ બિર્લાએ કહ્યું કે તે માગણીમાં દમ નથી, જ્યારે રાજયસભાના અધ્યક્ષે તે માગણી યોગ્ય રીતે નહીં કરાઈ હોવાનું કહી અસ્વીકાર્ય ગણી હતી.

૯. અદાણીની પોર્ટ થી એનર્જી સુધીની કંપનીઓમાં એલઆઈસી, સ્ટેટ બેન્ક સહિત સરકાર હસ્તકની ઘણી કંપનીઓમાં રોકાણો છે. અદાણી જુથે હજી સુધીમાં ૧૦૦ બિલિયન ડોલરથી વધુ ગુમાવ્યા હોવાનું કહેવાય છે.

૧૦. અદાણી જુથના ફાયનાન્સ ચીફ હીન્ડનબર્ગ રિપોર્ટને માત્ર દોષદ્રષ્ટા તથા વીણેલી ખોટી માહિતીઓ તથા જૂની થઈ ગયેલી પાયા વિહોણી માહિતીના આધારે તૈયાર કરાયો હોવાનું કહ્યું છે અને સુપ્રીમ કોર્ટે પણ તે આક્ષેપો ફગાવી દીધા છે.



https://ift.tt/6Hn2x5I from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cEjJlXn

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ