રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફેસબુકની પેરન્ટ કંપની Metaએ મોટો નિર્ણય લીધો છે. Meta રશિયન મીડિયા RT અને Sputnikને યુરોપિયન યુનિયનમાં બ્લોક કરશે. આ માહિતી કંપનીના ગ્લોબલ અફેર્સ હેડ નિક ક્લેગે મંગળવારે આપી હતી.
Meta પોતાના તમામ પ્લેટફોર્મ પર રશિયાના સરકારી મીડિયા આઉટલેટ RT અને Sputnikને બ્લોક કરશે. નિક ક્લેગે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હુતં કે કંપનીને યુરોપિયન યુનિયન અને ઘણી સરકારો તરફથી વિનંતીઓ મળી હતી.
યુરોપમાં માંગ
અનેક દેશોની સરકારોએ Metaને રશિયન રાજ્ય મીડિયા પ્લેટફોર્મના સંબંધમાં પગલા લેવા જણાવ્યું હતું. ક્લેગે કહ્યું કે Meta આ સમસ્યા પર સરકારો સાથે સતત કામ કરી રહી છે. નોંધનીય છે કે રવિવારે યુરોપિયન યુનિયને રશિયાના સ્ટેટ મીડિયા નેટવર્ક RT અને Sputnik પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી.
ગૂગલે પણ નિયંત્રણો લાદ્યા છે
કેનેડામાં ટેલિકોમ ઓપરેટરોએ પણ આરટી ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ટેક કંપનીઓ માટે રશિયન મીડિયા કવરેજ એક મોટી સમસ્યા બની ગયું છે. રશિયા આ હુમલાને 'સ્પેશિયલ ઓપરેશન' ગણાવી રહ્યું છે. મેટા ઉપરાંત, યુટ્યુબ અને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક.એ પણ રશિયાની સરકારી મીડિયા સામે ઘણાં પગલાં લીધાં છે.
ટ્વિટર અને ફેસબુક પર અસર
યુટ્યુબે જાહેરાતોમાંથી રશિયન મીડિયા ચેનલોની આવક પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે, ગૂગલે પણ ઘણા પગલાં લીધાં છે. Twitter એ RT અને Sputnik ને 2017 થી જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ટેક કંપનીઓ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રશિયાએ ટ્વિટર અને ફેસબુકની ઍક્સેસને મર્યાદિત કરી છે.
0 ટિપ્પણીઓ