કારખાનેદારનો ભૂતપૂર્વ કારીગર તેની ગેરહાજરીમાં ઘરમાંથી દાગીના-રોકડ મળી રૂ.1.91 લાખની મત્તા ચોરી ભાગી ગયો


- સાડી પ્રેસ કરવાનું કારખાનું ચલાવતા યુવાનને ત્યાં બાળપણથી કામ કરતો યુવાન ઘરની તમામ ગતિવિધિથી વાકેફ હતો

- દરવાજાની ઉપર બારીમાં રાખેલી ચાવી વડે દરવાજો ખોલી ચોરી કરી પરત મૂકી હતી

સુરત,તા 04 એપ્રિલ 2022, સોમવાર

સુરતના લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં રહેતા સાડી પ્રેસ કરવાનું કારખાનું ચલાવતા યુવાન કારખાનેદારને ત્યાં બાળપણથી કામ કરતો યુવાન કારીગર તેમની ગેરહાજરીમાં ઘરમાંથી દાગીના-રોકડ મળી રૂ.1.91 લાખની મત્તા ચોરી ભાગી ગયો હતો.કારખાનેદારના ઘરની તમામ ગતિવિધિથી વાકેફ ભૂતપૂર્વ કારીગરે દરવાજાની ઉપર બારીમાં રાખેલી ચાવી વડે દરવાજો ખોલી ચોરી કરી પરત મૂકી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારનો વતની અને સુરતમાં લીંબાયત મીઠીખાડી જોન બેકરીની પાસે ગરીબ નવાઝ સોસાયટી ઘર નં.60 ના ત્રીજા માળે રહેતો 38 વર્ષીય સમસાદ ગુલામરસુલ અંસારી લીંબાયત નુરાની મસ્જીદ પાસે કેજીએન સાબરી ટેક્ષટાઈલના નામે સાડી પ્રેસ કરવાનું કારખાનું ચલાવે છે. ગત શનિવારે બપોરે બે વાગ્યે તેની પત્ની શબનમ ત્રણ પુત્રોને લઈ તેની માતાને મળવા ગઈ હતી. ત્રણેક વાગ્યે સમસાદ ઘરના દરવાજાને લોક કરી ચાવી દરવાજાની ઉપરની બારીમાં મૂકી મદીના મસ્જીદ પાસે કાપડ વેપારીને મળવા ગયો હતો. રાત્રે 8.30 વાગ્યે પરત ફરી તેણે ચાવી લીધી તો તેનું સ્થાન બદલાયેલું હોય શંકા ગઈ હતી. દરવાજો ખોલી અંદર જોતા તેની શંકા સાચી ઠરી હતી.અંદર કબાટની સામે કપડાં વેરવિખેર હતા અને તેની સાથે લોખંડનું પેચીયું હતું. કબાટ ચેક કરતા દરવાજો આડો હતો અને અંદર લોકર તૂટેલું હતું.

ચોરી થયાની જાણ થતા સમાસાદે ભોંયતળીયે રહેતા ભાડુઆતોને પૂછ્યું તો જાણવા મળ્યું હતું કે તેને ત્યાં બાળપણથી કામ કરતો અને કામ છોડયા બાદ પણ અવારનવાર આવતો મુસ્તાક ઉર્ફે શોયબ મહેમુદ શેખ ( રહે. રૂમ નં.5, બીલ્ડીંગ નં.સી/13, ભેસ્તાન આવાસ, ડીંડોલી, સુરત ) સાંજે 7.30 વાગ્યે ઘરે આવ્યો હતો અને થોડી વાર બાદ ઘરમાંથી થેલી સાથે બહાર નીકળ્યો હતો. ભાડુઆતોને જોતા તે ગભરાયેલો પણ લાગતો હતો. સમસાદે તરત મુસ્તાકને ફોન કરી ઘરેથી જે સામાન ચોર્યો છે તે પરત આપી જવા કહેતા તેણે ફોન કાપી નાખ્યો હતો અને બાદમાં તેનો ફોન બંધ થઈ ગયો હતો. સમસાદે પત્નીને બોલાવી તપાસ કરતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપીયા મળી કુલ રૂ.1.91 લાખની મત્તાની ચોરી થઈ હતી. સમસાદે મુસ્તાકના ઘરે પણ તપાસ કરી હતી. પણ તે ઘરે નહીં મળતા છેવટે ગતરોજ તેના વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



https://ift.tt/7l14wrM from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lWhr4j2

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ