
- છેલ્લા 2 વર્ષથી ખાલી પડેલા સ્પીકર પદ માટે એનડીએ તરફથી ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને ઉતારવામાં આવ્યા
મુંબઈ, તા. 02 જુલાઈ 2022, શનિવાર
મહારાષ્ટ્રમાં સત્તા પલટા બાદ હવે વિધાનસભા સ્પીકર પદ પર નિયુક્તિ માટેની કવાયત ચાલી રહી છે. ત્યારે નંબર ગેમમાં માત ખાઈ ચુકેલા મહાવિકાસ અઘાડીએ વિધાનસભા સ્પીકર પદ માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરીને સૌને આંચકો આપ્યો છે.
સ્પીકર પદ માટે એનડીએ તરફથી ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને ઉતારવામાં આવ્યા છે અને તેમના સામે શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વી મેદાનમાં છે. આગામી 3 જુલાઈના રોજ ચૂંટણી છે અને બંને ઉમેદવારોએ પોત-પોતાનું નામાંકન દાખલ કરાવી દીધું છે.
ચૂંટણી સામે સવાલ
મહાવિકાસ અઘાડી દ્વારા વિધાનસભા સ્પીકરની ચૂંટણી સામે સવાલ કરવામાં આવ્યા છે. ગઠબંધનના નેતાઓના કહેવા પ્રમાણે સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતા વિધાનસભાના સ્પીકર પદ માટેની ચૂંટણી કઈ રીતે યોજાઈ શકે. વિધિમંડલના પ્રધાન સચિવને પત્ર લખીને આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે.
2 વર્ષથી ખાલી પડ્યું છે પદ
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રનું સ્પીકર પદ છેલ્લા 2 વર્ષથી ખાલી પડ્યું છે. વિધાનસભાના 2 દિવસીય વિશેષ સત્રના પહેલા દિવસે, 3 જુલાઈના રોજ સ્પીકરની ચૂંટણી યોજાશે. નાના પટોલેએ સ્પીકર પદ છોડ્યું ત્યારથી તે પદ ખાલી પડ્યું છે. આગામી 4 જુલાઈના રોજ ટીમ શિંદેએ બહુમત સાબિત કરવો પડશે. તેના માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.
ટીમ શિંદેને સુપ્રીમ કોર્ટમાંથી રાહત
ટીમ શિંદેના બળવાખોર ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાંથી ભારે મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે જણાવ્યું હતું કે, 11 જુલાઈના રોજ નિર્ધારિત કરવામાં આવેલી સુનાવણી દરમિયાન જ સુનીલ પ્રભુની અરજી પર વિચારણા કરવામાં આવશે.
0 ટિપ્પણીઓ