અભ્યાસનું ટેન્શન, થાક અને આકરી ગરમીના કારણે વિદ્યાર્થિની ચાલુ પરીક્ષામાં બેભાન

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એમકોમના પહેલા વર્ષની હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે.આ દરમિયાન ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થિની બેભાન બની જતા ભારે દોડધામ થઈ ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે એમકોમના પહેલા વર્ષના છેલ્લે સેમેસ્ટરનુ શિક્ષણકાર્ય મોડુ પૂરુ થયુ હોવાથી તેની ફાઈનલ પરીક્ષા અત્યારે લેવાઈ રહી છે.ગુરુવારે ઈન્ડસ્ટ્રિયલ રિલેશન્સ વિષયનુ પેપર લેવાઈ રહ્યુ હતુ ત્યારે પરીક્ષા આપતા આપતા એક વિદ્યાર્થિની બેભાન થઈને બેન્ચ પર જ ઢળી પડી હતી.

આ દ્રશ્ય જોઈને બીજા વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોમાં દોડધામ મચી ગઈ હતી.અધ્યાપકોએ તાત્કાલિક આ વિદ્યાર્થિનીને પ્રાથમિક સારવાર આપી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી.વિદ્યાર્થિનીના માતા પિતાને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

એ પછી વિદ્યાર્થિનીને સ્ટ્રેચર પર સુવડાવીને પહેલા ફ્લોર પરથી નીચે ઉતારીને એમ્બ્યુલન્સમાં સુવડાવવામાં આવી હતી અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવી હતી.સૂત્રોનુ કહેવુ છે કે, પરીક્ષાનો તણાવ , થાક અને ભારે ગરમીના કારણે વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હોવાની શક્યતા છે.હાલમાં તેની તબિયત સુધારા પર છે.

બીજી તરફ ફેકલ્ટીના વાઈસ ડીન ડો.ડાંગરવાલાએ  કહ્યુ હતુ કે, માનવતાના ધોરણે આ વિદ્યાર્થિનીની બાકીના પેપરોની પરીક્ષા લેવા માટે વિચાર કરવામાં આવશે.




https://ift.tt/zRswvhr

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ