
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ૨૦ ડિસેમ્બરથી બીએ, સેમેસ્ટર પાંચની એન્ડ સેમેસ્ટર પરીક્ષા શરુ થવા જઈ રહી છે.જોકે આ પરીક્ષા માટે ફરી એક વખત સત્તાધીશોની નવી ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો છે અને તેમાં ફરી એક વખત અધ્યાપકોને જ સહન કરવાનુ આવી રહ્યુ છે.
મળતી વિગતો પ્રમાણે આ પરીક્ષા માટેનુ ટાઈમ ટેબલ નવી ગાઈડ લાઈન પ્રમાણે એક મહિના અગાઉ જાહેર કરવામાં આવ્યુ નથી.અધ્યાપકોએ પરીક્ષાના પંદર દિવસ પહેલા પેપર સેટ કરીને પરીક્ષા વિભાગને આપવાના હોય છે.તેની જગ્યાએ પરીક્ષા માટે પેપર સેટ કરવાના ઓર્ડર અધ્યાપકોને પરીક્ષાના દસ દિવસ પહેલા એટલે કે ૧૦ ડિસેમ્બરે ફેકલ્ટી સત્તાધીશો દ્વારા આપવામાં આવ્યા છે અને તેમાં પણ બે જ દિવસમાં પેપર સેટ કરીને પરીક્ષા વિભાગને મોકલવાનો આદેશ અપાયો છે.આ બે દિવસમાં એક તો રવિવારની રજા છે.
જો અધ્યાપકો બે દિવસમાં પેપર સેટ ના કરે તો પરીક્ષા વિભાગ ફરી તેમને વોર્નિંગ લેટર આપે તેવી શક્યતા છે ત્યારે એક સિનિયર અધ્યાપકે કહ્યુ હતુ કે, અમને છેલ્લી ઘડીએ પેપર સેટ કરવાના ઓર્ડર આપવામાં આવ્યા છે તે માટે જવાબદારો સામે યુનિવર્સિટી સત્તાધીશો શું કાર્યવાહી કરશે?દરેક અધ્યાપકે પેપરના બે સેટ આપવાના છે.તેમાં પણ ઘણા અધ્યાપકોએ એક કરતા વધારે વિષયના પેપર સેટ કરવાના છે તો બે દિવસમાં પેપર સેટ કરીને આપવા શક્ય છે ખરા?
ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, પરીક્ષાની તારીખ જાહેર કરાઈ ત્યાં સુધી અધ્યાપકો કે દરેક વિભાગના હેડને આ બાબતની જાણકારી પણ નહોતી.ઉપરાંત ઘણા વિભાગોમાં હજી કોર્સ બાકી છે.વધારાની ઈન્ટરનલ પરીક્ષા પણ ૧૭ તારીખે જ પૂરી થઈ છે.આ વિદ્યાર્થીઓએ ૩ દિવસમાં ફરી પરીક્ષામાં બેસવુ પડશે.
https://ift.tt/VbNsFai
0 ટિપ્પણીઓ