વીસીએ કર્મચારીઓની સહી કરવાનું મસ્ટર પોતાની ઓફિસમાં મંગાવી લીધું

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે  નિયત સમય કરતા મોડા આવતા  કર્મચારીઓને પકડવા માટે વાઈસ ચાન્સેલરે સહી કરવા માટેનુ મસ્ટર જ પોતાની ઓફિસમાં મંગાવી લેતા કર્મચારી આલમમાં ખળભળાટ વ્યાપી ગયો છે.

યુનિવર્સિટીની કર્મચારી આલમમાં ભારે ચર્ચાનુ કેન્દ્ર બનેલી આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે બે દિવસ અગાઉ અચાનક જ વાઈસ ચાન્સેલરે કર્મચારીઓ સમયસર આવે છે કે નહીં તેનુ ચેકિંગ કરવાનુ નક્કી કર્યુ હતુ.આ માટે વાઈસ ચાન્સેલરે કર્મચારીઓ જેમાં સહી રે છે તે મસ્ટર પોતાની ઓફિસમાં મંગાવી લીધુ હતુ અને કહ્યુ હતુ કે, હવે જે પણ કર્મચારી આવે તેને સહી કરવા માટે વીસીની ઓફિસમાં મોકલવામાં આવે.

આ આદેશ બાદ હેડ ઓફિસના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો.મળતી વિગતો પ્રમાણે સાડા દસ પછી આવનારા લગભગ ૪૦ જેટલા કર્મચારીઓએ વાઈસ ચાન્સેલરની ઓફિસમાં જઈને મસ્ટર પર સહી કરી હતી .વાઈસ ચાન્સેલરે આ તમામ કર્મચારીઓને સમયસર આવવા માટે ટકોર કરી હતી.

એવી પણ ચર્ચા ચાલે છે કે, મોડા આવનારા કેટલાક કર્મચારીઓને આ બાબતની જાણ થઈ ગઈ હતી અને તેમણે પોતાના સેક્શન હેડને ફોન પર જાણ કરીને અડધા દિવસની રજા મુકી દીધી હતી.જેથી વાઈસ ચાન્સેલરનો ઠપકો ના સાંભળવો પડે.

ઉલ્લેખનીય છે કે, વાઈસ ચાન્સેલરે આ જ રીતે કોમર્સ ફેકલ્ટીના એમકોમ બિલ્ડિંગ પર પણ ચેકિંગ કર્યુ હતુ અને તેમાં સંખ્યાબંધ અધ્યાપકો ગેરહાજર જોવા મળતા વાઈસ ચાન્સેલરે પિત્તો ગુમાવ્યો હતો.હવે કર્મચારીઓનો વારો આવ્યો છે.




https://ift.tt/RPSatpF

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ