સુરત: વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતમાં દિવાલ પોસ્ટર પોલીટીક્સ શરૂ


- ભાજપે સરકારી મિલકત પર કમળનું ચિન્હ દોર્યું તો કોંગ્રેસે એન.એસ.યુ.આઈ. લખ્યું

સુરત,તા.07 એપ્રિલ 2022, ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતમાં દિવાલ પર પોસ્ટર પોલીટીક્સ શરૂ થઈ ગયું છે. ભાજપના ચૂંટણી ચિન્હ કમળ હવે સરકારી દિવાલો પર પણ જોવા મળી રહ્યું છે. સરકારી  તંત્ર આ અંગે મૌન ધારણ કરી દીધું છે  ત્યારે કોંગ્રેસે ભાજપની ભાષામાં જવાબ આપવાનું શરૂ કર્યું છે. સુરતમાં સરકારી દિવાલો પર ભાજપના કમળના ચિન્હ છે તેની વચ્ચે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે એન.એસ.યુ.આઈ. લખી દીધું છે જેના કારણે સુરત નું રાજકારણ ગરમાયું છે. 


ગુજરાત વિધાનસભા ચૂંટણી સમય પર થશે કે તે અંગે અનેક અટકળો વચ્ચે ભાજપે ચૂંટણી નું રણશિંગું ફૂંકી દીધું છે.  ભાજપના સ્થાપના દિવસ પહેલા કાર્યકર સંમેલન અને ત્યાર બાદ સ્થાપના દિવસની ઉજવણીમાં ભાજપે શહેરને ભગવા રંગે રંગવાનું કામ કર્યું છે. ભાજપ કાર્યકરો પોતાના ઘર પર ભાજપનો ઝંડો લગાવવા સાથે સાથે હવે સરકારી દિવાલો પર પણ ભગવાકરણ કરવાનું શરૃ કરી દીધું છે. થોડા દિવસ પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનની દિવાલ પર કમળ ત્યાર બાદ હાલમાં  યુનિવર્સિટીની દિવાલ પર પણ કમળનું ચિન્હ જોવા મળી રહ્યું છે. જોકે, સરકારી અધિકારીઓ અને તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી તેથી પાલિકાની ચૂંટણીમાં ઝીરો થઈ ગયેલા કોંગ્રેસ હવે આગળ આવી રહ્યું છે. 

માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના  અન્ય શહેરોમાં ભાજપના ચિન્હ ખાનગી અને સરકારી દિવાલો પર લખી દેવામાં આવ્યા છે. ગુજરાતના અન્ય શહેરોમાં દિવાલ પર લખેલા ભાજપના ચિન્હ નીચે ગેસના બોટલના ભાવ લખી વિરોધ કર્યો છે. જ્યારે સુરતમાં યુનિવર્સિટીની દિવાલ પર ભાજપના કમળના ચિન્હ દોર્યા છે તેની વચ્ચે કોંગ્રેસે એન.એસ.યુ.આઈ. લખી દીધું છે.

જોકે, દિવાલ પર પોસ્ટર પોલિટિક્સમાં હજી આપ જોડાયું નથી પણ પાલિકામાં મોડે મોડે વિરોધમાં જાગતા વિરોધ પક્ષ હવે પછી દિવાલ પોસ્ટર પોલિટિક્સમાં આવે તેવી અટકળ થઈ રહી છે.



https://ift.tt/G4EuLxz from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qXuRv7g

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ