લમ્પીમાં ગૌવંશ મુખમાં ધકેલાઈ રહ્યું છે ત્યારે માલધારીઓમાં નવી ચિંતા : ખાંભા પંથકને એન્ટ્રોટોક્સિમીઆ વાયરસે ભરડો લીધો, અમરેલી સહિત અન્ય જિલ્લામાં ફેલાતો અટકાવવા રસીકરણ હાથ ધરાયું
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે કાળોકેર વર્તાવ્યો છે અને હજારો ગાય - બળદ મોતનાં મુખમાં ધકેલાઈ રહયા છે ત્યારે એન્ટ્રોટોકિસમીઆ નામનાં રોગચાળો દેખાયો છે અને પચાસેક ઘેટા - બકરાનાં મોત થયા માલધારીઓમાં ચિંતા ફેલાઈ છે. આ રોગ સામે રક્ષણ આપવા પશુપાલન વિભાગે રસીકરણ હાથ ધર્યુ છે.
સૌરાષ્ટ્રમાં લમ્પીના રોગની સાથે એન્ટ્રોટ્રોકિસમીઆ જોવા મળ્યો છે હાલ તો અમરેલી જિલ્લામાં ખાંભા પંથકમાં આ આ રોગે ભરડો લીધો છે. ખાંભાથી આશરે સાતેક કિ.મી. દૂર આવેલા ભાવરડી ગામમાં એક જ માલધારીનાં ચાલીસેક ઘેટા - બકરાનાં મોત થયા છે. આ અંગેની જાણ થતા જ પશુપાલન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને રસીકરણ હાથ ધર્યુ હતુ.બાબરા - જસદણ સહિતનાં વિસ્તારોમાં ઘેટા - બકરાની સંખ્યા વિશેષ હોય આ રોગ માથુ ન ઉંચકે તે માટે પશુપાલન વિભાગે રસીકરણ માટે કવાયત હાથ ધરી છે.
પશુપાલન વિભાગનાં અધિકારીઓનાં જણાંવ્યા મુજબ એન્ટ્રોટ્રોકિસમીઆ રોગને ટુંકમાં ઈટીથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને ચોમાસામાં ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે આ રોગ જોવા મળતો હોય છે. હાલ અમરેલી જિલ્લામાં આ રોગચાળો ફેલાયો છે ત્યારે અન્ય જિલ્લામાં ન ફેલાય તે માટે સૌરાષ્ટ્રનાં દરેક જિલ્લામાં રસીકરણ કરવામાં આવી રહયું છે. રાજકોટ જિલ્લામાં ચાર હજાર ઘેટા - બકરા સહિત સૌરાષ્ટ્રમાં 85,000 નું રસીકરણ કરવામાં આવ્યુ છે. આ રોગનાં લક્ષણોમાં ઘેટા - બકરાને તાવ આવે છે, ચકકર આવતા હોવાથી ઉછળતા હોય તેવી સ્થિતિ પણ જોવા મળતી હોય છે. બેકટેરીયાથી ફેલાતો આ રોગ અગાઉ પણ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે. સમયસર સારવાર ન મળે તો આ રોગમાં ઘેટા - બકરા મોતને ભેટે છે. લમ્પી ગૌવંશમાં જોવા મળે છે પરંતુ સદભાગ્યે ભેંસમાં જોવા મળ્યો નથી તેનાથી પશુપાલકોએ રાહત અનુભવી છે.
https://ift.tt/qDfwClZ
0 ટિપ્પણીઓ