ખેડૂતોના કૃષિ ઉત્પાદનો માટે વડોદરા જિલ્લા પંચાયત શહેરમાં 7 કરોડનું કિસાન માર્કેટ બનાવશે

વડોદરાઃ  વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી સમિતિની મીટિંગમાં વર્ષ-2023-24ના પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી.

જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી સમિતિની મીટિંગમાં બજેટ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં વર્ષ-૨૦૨૩-૨૪ની ઉઘડતી સિલક અને રૃ.૧૮ કરોડની આવક સહિત કુલ રૃ.૬૬ કરોડની આવક સામે કુલ રૃ.36 કરોડનો ખર્ચ અંદાજતું બજેટ મૂકવામાં આવ્યું હતું.

નવા વર્ષના બજેટમાં વિવિધ ક્ષેત્રના વિકાસના કામો મુકવામાં આવ્યા છે.જેમાં જિલ્લાના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું વેચાણ કરી શકે તે માટે એપીએમસીની જેમ હરણીરોડ વિસ્તારની પંચાયત હસ્તકની જમીનમાં રૃ.સાત કરોડના ખર્ચે કિસાન માર્કેટ બનાવવાની યોજના પણ મુકવામાં આવી છે.

કારોબારી ચેરમેને કહ્યું છે કે,સ્ટેમ્પ ડયુટીની આવકમાંથી રૃ.14 કરોડ ખર્ચે વિકાસના કામો કરવામાં આવનાર છે. જ્યારે,જિલ્લા પંચાયતના સદસ્યોને વિકાસની અલાયદી ગ્રાન્ટ પાછળ રૃ.બે કરોડ, આઇસીડીએસ માટે રૃ.1.10 કરોડ, લોક હિતાર્થના કામો માટે રૃ.2.50 કરોડ ફાળવવામાં આવ્યા છે.

પંચાયતના પોતાના ગેસ્ટહાઉસો ધૂળ ખાય છે અને આજવારોડ પર નવું ગેસ્ટહાઉસ બનાવશે

સ્ટેશન સામેનું પથિક ભવન ગુમાવ્યુંઃ ચાંદોદ,કરનાળી,માલસર,કાયાવરોહણના ગેસ્ટ હાઉસો સાવ જર્જરિત

વડોદરા જિલ્લા પંચાયત દ્વારા નવા વર્ષના બજેટમાં અણધડ આયોજન કરવામાં આવ્યું હોવાનું દેખાઇ આવે છે.

જિલ્લા પંચાયત દ્વારા આગામી બજેટમાં આજવારોડની પંચાયતની જમીનમાં નવા ગેસ્ટ હાઉસ માટે રૃ.પોણો કરોડ ફાળવવામાં આવ્યા છે.

હકિકતમાં જિલ્લા પંચાયત પાસે હાલમાં પોતાના ગેસ્ટહાઉસો સાવ જર્જરિત અને  બિનઉપયોગી છે.આ પૈકી સ્ટેશન પાસેનું ચાર મજલી પથિક ભવન કોર્પોરેશને લઇ લીધું છે.જ્યારે,ફાજલપુરનું ગેસ્ટહાઉસ હાઇવે ઓથોરિટીમાં જતું રહ્યું છે.આ ઉપરાંત યાત્રાધામ માલસર,કરનાળી, કાયાવરોહણ અને ચાંદોદના ગેસ્ટ હાઉસ સાવ જ જર્જરિત અને વર્ષોથી બિનઉપયોગી છે.આમ છતાં નવા ગેસ્ટહાઉસને મંજૂરી અપાતાં આશ્ચર્ય સર્જાયું છે.

સભાખંડના રિનોવેશન માટે દરવર્ષે રકમ ફાળવાય છે,વપરાતી નથી

વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં રજૂ થયેલા બજેટમાં દર વર્ષની જેમ આ વખતે પણ સભાખંડના રિનોવેશન માટે રકમ ફાળવવામાં આવી છે.દર વર્ષે પંચાયતના બજેટમાં સભાખંડના રિનોવેશન માટે રૃ.૫૦ લાખ ફાળવવામાં આવતા હોય છે.પરંતુ તેનો ઉપયોગ થતો નથી અને આ વખતના બજેટમાં આ રકમ વધારીને રૃ.એક કરોડ કરવામાં આવી છે.



https://ift.tt/60JzBRt

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ