Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: આણંદ જિલ્લાની 142 પ્રાથમિક શાળાને ગુણોત્સવમાં સી ગ્રેડ મળ્યો

આણંદ જિલ્લાની 142 પ્રાથમિક શાળાને ગુણોત્સવમાં સી ગ્રેડ મળ્યો

- ફક્ત ચાર શાળાને એ પ્લસ અને ૭૯૫ શાળાને બી ગ્રેડ મળી શક્યો : સી ગ્રેડમાં સૌથી વધુ ૩૩ શાળા ખંભાત તાલુકાની છે

આણંદ

રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુણોત્સવ ૨.૦માં આણંદ જિલ્લો રાજ્યના ૩૮ જિલ્લામાં ૩૩માં સ્થાન ઉપર રહેવા પામ્યો છે ત્યારે ગત વર્ષે પણ આ પ્રકારના પરિણામ બાદ શૈક્ષણિક સ્તરે સુધારાના પ્રયાસ કરાશેની અધિકારીઓની ખાતરી પણ ઠાલા વચન સમાન પુરવાર થઈ હોવાનું શિક્ષણવિદોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ વર્ષે ગુણોત્સવ ૨.૦ના જાહેર થયેલ પરિણામમાં આણંદ જિલ્લા પંચાયત સંચાલિત ૧૦૨૫ પ્રાથમિક શાળાઓનો ચિતાર રજૂ થયો છે. જેમાં આણંદ જિલ્લો રાજ્યના ૩૮ જિલ્લાઓમાં ૩૩મા  સ્થાને રહેવા પામ્યો છે. જાણવા જેવી બાબત એ છે કે અગાઉના વર્ષે પણ આ પ્રકારના પરિણામ બાદ શૈક્ષણિક ક્ષેત્રે સુધારા કરવા અધિકારીઓ દ્વારા ખાતરી અપાઈ હતી. પરંતુ પરિણામમાં કોઈ જ સુધારો થવા પામ્યો નથી. ગુણોત્સવના જાહેર થયેલ પરિણામ મુજબ આણંદ તાલુકાની ૨ અને આંકલાવ તથા પેટલાદની ૧-૧ મળી કુલ ૪ પ્રાથમિક શાળાઓ જ એ પ્લસ ગ્રેડમાં સ્થાન પામી છે. જો કે પરિણામ મુજબ સૌથી વધુ ૭૯૫ શાળાઓ બી ગ્રેડમાં સ્થાન પામી છે તેમજ ૧૪૨ શાળાઓનો સી ગ્રેડમાં સમાવેશ થાય છે. આણંદ જિલ્લાના ઉમરેઠ, તારાપુર, બોરસદ અને ખંભાત તાલુકામાં સરકારી શાળાઓના પ્રાથમિક શિક્ષણમાં ખાસ સુધારો નોંધાયો ન હોવાનો સુર જાગૃતોમાં ઉઠવા પામ્યો છે.રાજ્યના ૩૮ જિલ્લાઓની સરકારી શાળાઓના ગુણોત્સવના પરિણામ અંતર્ગત આણંદ જિલ્લા ૫૭.૪૬ ટકા સાથે ૩૩માં સ્થાને રહેવા પામ્યો છે. જો કે ગત વર્ષના ગુણોત્સવના પરિણામમાં આણંદ જિલ્લાની એકપણ સરકારી શાળા એ પ્લસ ગ્રેડમાં સ્થાન મેળવી શકી ન હતી જેની સરખામણીએ આ વર્ષે જાહેર કરાયેલ પરિણામમાં ૪ શાળાઓ એ પ્લસ ગ્રેડમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા આણંદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અધ્યાપન-અધ્યયનના ૬૪ ટકા, સહ શૈક્ષણિક પ્રવૃત્તિ ૧૨ ટકા, સ્કૂલ મેનેજમેન્ટ ૧૬ ટકા અને ભૌતિક સુવિધા-સ્વચ્છતાના ૧૨ ટકાના માપદંડના આધારે શાળાઓને ગ્રેડ આપવામાં આવ્યો હતો.



https://ift.tt/JpQcUa3

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ