
જાહેર વિતરણ વ્યવસ્થાનું કોરોના વખતનું ઢમ ઢોલ માહે પોલ : ગરીબોને મફત આપવાનાં ચણાંમાંથી 570 ટન જથ્થો પડયો રહેતાં અનેક દુકાનદારોએ નિકાલ કરી દીધા બાદ હવે બજારમાંથી ખરીદીને સરકારને આપશે
રાજકોટ, : કોરોના કાળમાં ગરીબોને મફત આપવા માટે ગુજરાતને ફાળવવામાં આવેલા ચણાંના વિપુલ જથ્થા પૈકી ૫૭૦ ટન જેટલાં ચણાં વહેંચાયા વિનાના પડી રહ્યા હતા, જેનો સવા વર્ષે હવે છેક નિકાલ કરવાનું સરકારે મુહૂર્ત કાઢ્યું છે. રાશનની દુકાનો પરથી આવા ચણાં પરત મગાવીને જિલ્લા કક્ષાએ તેની હરરાજી કરવાનો આદેશ થતાં આશ્ચર્ય પ્રવર્તી ગયું છે.
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકાર દ્વારા રાશનકાર્ડધારકોને કેટેગરી મુજબ અનાજનો નિયત જથ્થો નિર્ધારિત રાહતદરે અપાતો હોય છે, જેમાં કોરોનાકાળ દરમિયાન પીએમજીકેએવાય (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના) ફેઝ-1 અને ફેઝ- 2 હેઠળ અમૂક મહિના પૂરતું ગરીબોને નિઃશુલ્ક ચણાં પણ આપવાના હતા. આ માટે નાફેડ મારફત રાજ્યને ચણાંનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો, જે તમામ જિલ્લાઓને મોકલીને સસ્તાં અનાજની દુકાને- દુકાને પહોંચાડવામાં આવ્યો હતો. અલબત્ત, ચણાંનો ઉપાડ પૂરેપૂરો નહીં થતાં મોટાભાગની દુકાનો પર થોડો- ઘણો સ્ટોક પડયો રહ્યો હતો.
વેપારીઓ વારંવાર રજૂઆત કરતા રહ્યા હતા કે માત્ર બે મહિના જ ટકી શકે એવા આ ચણાં મહિનાઓથી વણવિતરિત હોઈ દુકાનોમાં તે સડી રહ્યા છે, તેમાં જીવાતો પડવા લાગી છે. મોડે-મોડે સપ્ટેમ્બર- ૨૦૨૧માં પુરવઠા નિગમે પરિપત્ર કર્યો હતો કે દરેક તાલુકાઓમાંથી આવા વણવિતરિત ચણાં નિગમના જે- તે જિલ્લા ગોદામે મગાવીને તેની હરરાજી કરી નાખવી.
જો કે, એ પછી પણ એક વર્ષ વિતી ગયા છતાં ઘણાંખરા વિસ્તારોમાં પુરવઠા નિગમના સ્ટાફ કે પુરવઠા તંત્રએ તેના નિકાલની કોઈ નોંધપાત્ર તસદી લીધી નથી એવામાં હવે નિગમે ફરી તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને તાકીદ કરી છે કે ચણાં હવે કોઈને આપી શકાય એવી હાલતમાં નહીં હોવાથી વિતરણમાં નહીં મૂકીને પરત મગાવી લઈ એફઆરએલ મારફતે ગુણવત્તા ચકાસણી કરાવી જાહેર હરરાજી થકી નિકાલ કરી નાખવો, તેમજ તેની થકી ઉપજેલી રકમની વિગતો નિગમને મોકલવી!
કોઈક રીતે લાભાર્થી પરિવારો સુધી પહોંચાડી દેવા જોઈતા ચણાં ગરીબોનાં મોઢે જવાને બદલે સડી ગયા છે. દુકાનમાં સડતા ચણાં અનાજના અન્ય જથ્થામાં સડો ન પેસાડે એ માટે અનેક દુકાનદારોએ પોતાની રીતે તેનો નિકાલ કરી દીધા બાદ હવે સરકારે ચણાં પાછા માગ્યા છે, જેથી ઘણાએ તો બજારમાંથી વેચાતા ચણાં લઈને પણ સરકારને સોંપવા પડશે. બીજી તરફ, ખરેખર ચણાં રાખી મૂકનારા વેપારીઓ હવે એ જથ્થો સરકારને સોંપશે તો એ સડેલા ચણાં તંત્ર પાસેથી હરરાજીમાં ખરીદશે કોણ, એ પણ સવાલ છે.
https://ift.tt/fFD2XSN
0 ટિપ્પણીઓ