Breaking News

લોડ થઈ રહ્યું છે...

દ્વારકા-જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ૯૯ વર્ષે બ્રહ્મલીન


ભોપાલ, તા.૧૧

હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરુ અને દ્વારકાની શારદાપીઠ તથા ઉત્તરાખંડમાં સ્થિત જ્યોતિમઠની બદ્રીપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ ૯૯ વર્ષની વયે રવિવારે બ્રહ્મલિન થયા હતા. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં સ્વામી સ્વરૂપાનંદે લાંબી માંદગી પછી ઝોતેશ્વર પરમહંસી ગંગા આશ્રમમાં દેહત્યાગ કર્યો હતો. આશ્રમમાં જ સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી શક્યતા છે. કેટલાક સમયથી ઝોતેશ્વર આશ્રમમાં તેમની સારવાર ચાલતી હતી.

જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રવિવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. તાજેતરમાં જ તીજના દિવસે તેમના ૯૯મા જન્મદિનની ઊજવણી કરાઈ હતી. સ્વામીજીના બ્રહ્મલીન થવાના સમાચાર મળતાં જ ભક્તોમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. ભક્તો ઝોતેશ્વર આશ્રમ પર એકત્ર થવા લાગ્યા હતા. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદ તરફથી જણાવાયું હતું કે, સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીને સોમવારે સાંજે ૫.૦૦ પરમહંસી ગંગા આશ્રમમમાં સમાધી અપાશે. 

સ્વામીજીનો જન્મ બીજી સપ્ટેમ્બર ૧૯૨૪માં મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં જબલપુર પાસે દિધોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. તેમણે માત્ર ૯ વર્ષની વયે ઘર છોડી ધર્મ યાત્રા શરૂ કરી દીધી હતી. નાની વયે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ઉત્તર પ્રદેશના કાશી પહોંચ્યા અને તેમણે બ્રહ્મલીન શ્રી સ્વામી કરપાત્રી મહારાજ પાસે વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ ૧૯૪૨માં દેશમાં અંગ્રેજો સામે આઝાદીની લડાઈ ચાલી રહી હતી. તે સમયે ગાંધીજીએ અંગ્રેજો ભારત છોડોનો નારો આપ્યો હતો. આ સમયે તેઓ પણ આઝાદીની લડાઈમાં જોડાયા હતા અને જેલ ગયા હતા. ત્યારે માત્ર ૧૯ વર્ષની વયે ક્રાંતિકારી સાધુ તરીકે તેમણે પ્રસિદ્ધિ મેળવી હતી. આ સમયે તેમણે વારાણસીની જેલમાં ૯ મહિના અને તેમના ગૃહ રાજ્ય મધ્ય પ્રદેશની જેલમાં છ મહિનાની સજા પૂરી કરી હતી.

શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી કરપાત્રી મહારાજના રાજકીય પક્ષ રામરાજ્ય પરિષદના અધ્યક્ષ પણ હતા. ૧૯૮૧માં તેમને શંકરાચાર્યની ઉપાધી મળી હતી. ૧૯૫૦માં તેમણે શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નામથી ઓળખાવા લાગ્યા. તેઓ રાજકારણમાં પણ ખૂબ જ સક્રિય હતા. કોંગ્રેસની નજીક હોવાથી તેમને કોંગ્રેસના ધર્મગુરુ પણ કહેવાતા હતા. 

પ્રિયંકા ગાંધીએ ગયા વર્ષે પ્રયાગરાજમાં ગંગા સ્નાન પછી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રિયંકાએ રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, જગદગુરુ શંરરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના મહાપ્રયાણના સમાચાર સાંભળીને દુઃખ થયું. સ્વામીજીએ ધર્મ, અધ્યાત્મ અને પરમાર્થ માટે તેમનું જીવન સમર્પિત કરી દીધું. 

રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું, પૂજ્યપાદ જ્યોતિષ્પીઠાધીશ્વર અને શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીના બ્રહ્મલીન થવાના સમાચાર દુઃખદ છે. તેમણે હંમેશા ધર્મ અને સત્યના માર્ગે ચાલવાનો રસ્તો બતાવ્યો. ઈશ્વર દિવંગતના આત્માને શાંતિ પ્રદાન કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને કહ્યું, દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. શોકના આ સમયમાં તેમના અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદનાઓ... ઓમ શાંતિ.



https://ift.tt/83XG04W from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/F2lyNzU

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ