Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: અમરનાથ યાત્રા પર હુમલાનું ત્રાસવાદીઓનું કાવતરું

અમરનાથ યાત્રા પર હુમલાનું ત્રાસવાદીઓનું કાવતરું

- કાશ્મીરમાં બે વર્ષ પછી અમરનાથ યાત્રા ૩૦ જૂનથી શરૂ થઈ રહી છે, તેનાં મહિના પહેલાં જ હથિયારો સાથેનું ડ્રોન મળે તે ગંભીર જ કહેવાય

કાશ્મીરમાં બરાબર એક મહિના પછી અમરનાથ યાત્રા શરૂ થવાની છે. એ પહેલાં જ શસ્ત્રો ઘૂસાડાય એ ખતરાનો સંકેત છે. આ યાત્રામાં હજારો હિંદુ શ્રધ્ધાળુઓ ભાગ લે છે. આતંકીઓએ ભૂતકાળમાં અમરનાથ યાત્રાને નિશાન બનાવીને હુમલા કર્યા જ છે. આ હથિયારો પણ એ ઉદ્દેશથી જ મોકલાયાં હોય એ શક્ય છે તેથી ચેતવું જરૂરી છે. ચેતતા નર સદા સુખી. 

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને ભડકાવવા પાકિસ્તાને ફરી હથિયારો સાથેનું ડ્રોન ઘૂસાડવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચ્યો છે. રવિવારે વહેલી સવારે કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આ ડ્રોન ઘૂસાડાયેલું પણ પોલીસની નજરે ચડી જતાં તેમણે તાત્કાલિક ડ્રોન તોડી પાડયું. ડ્રોનમાં સાત મેગ્નેટિક બોમ્બ,  સાત અંડર બેરેલ ગ્રેનેડ લોંચર (યુબીજીએલ) ગ્રેનેડ્સ હતાં. 

મેગ્નેટિક બોમ્બ અને યુબીજીએલ ગ્રેનેડ્સ નાનાં છોકરાંને રમવાની વસ્તુઓ નથી તેથી પાકિસ્તાને આ મોતનો સામાન કાશ્મીર ખીણનાં છોકરાંને રમવા માટે તો ના જ મોકલ્યો હોય એ કહેવાની જરૂર નથી. પાકિસ્તાનનો બદઈરાદો કાશ્મીરમાં નિર્દોષોનો લોહી વહેવડાવવાનો જ હશે તેથી આ ડ્રોન તોડી પાડીને પોલીસે કાશ્મીરમાં મોટી ખૂનામરકી અટકાવી છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. 

કાશ્મીરમાં બે વર્ષ પછી અમરનાથ યાત્રા શરૂ થવાની છે. ૩૦ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવાની છે તેના મહિના પહેલાં જ હથિયારો મળે એ વાત ગંભીર જ કહેવાય  પણ પોલીસે જે વાત કરી એ વધારે ગંભીર છે. પોલીસનું કહેવું છે કે, કથુઆ જિલ્લામાં પાકિસ્તાન સરહદે છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે ડ્ર્રોન ફરતાં દેખાય છે એવી બાતમી મળતાં રોજ સવારે પોલીસ સર્ચ પાર્ટીને આ વિસ્તારમાં મોકલાય છે. સોમવારે સવારે તલ્લી હરિયા ચારક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી આવતું ડ્રોન દેખાતાં પોલીસે ફાયરિંગ કરીને તોડી પાડતાં મોતનો સામાન મળી આવ્યો. 

પોલીસની વાતનો અર્થ એ થાય કે, પાકિસ્તાન નિયમિત રીતે કાશ્મીરમાં ડ્રોન મોકલીને હથિયારો ઉતારે છે. આ વખતે નજરે ચડી ગયું તેમાં તોડી પાડયું, બાકી આ રીતે ઘણાં ડ્રોન ઘૂસી જ ગયાં હશે, હથિયારો ઉતરીને આતંકીઓ પાસે પહોંચી જ ગયાં હશે. કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઉછાળો આવ્યો છે. તેના માટે આ રીતે ડ્રોનથી ઘૂસાડાતાં હથિયારો જવાબદાર હોઈ શકે. 

જમ્મુ અને કાશ્મીરના પાકિસ્તાન આતંકવાદ માટે ડ્રોનનો ઉપયોગ કરે છે એ વાત છેલ્લા એક વર્ષથી ધ્યાનમાં આવેલી છે. ગયા વર્ષે જૂનમાં ડ્રોન દ્વારા આતંકવાદી હુમલાની ઉપરાછાપરી બે ઘટના બનેલી. પહેલી ઘટનામાં  જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં ઈન્ડિયન એરફોર્સના બેઝ પાસે બે ડ્રોન ઘૂસાડીને  બે ધડાકા થયા હતા. 

ઓછી તીવ્રતાના આ બે વિસ્ફોટના કારણે કોઈ જાનહાનિ નહોતી થઈ ને માલમત્તાનું નજીવું નુકસાન થયેલું પણ મોટી વાત આ વિસ્ફોટકો ડ્રોન દ્વારા છેક જમ્મુ એરપોર્ટ પર ઉતારી દેવાયાં એ હતી. જમ્મુ એરપોર્ટમાં જ ઈન્ડિયન એરફોર્સનો બેઝ છે. વિસ્ફોટ થયાં તેની નજીકમાં જ હેંગર એટલે કે એરફોર્સમાં ફાઈટર જેટ રાખવાની જગા છે. 

ડ્રોનથી કરાયેલા વિસ્ફોટમાં આ ફાઈટર જેટ ઉડાવી દેવા કરાયાં હોવાની શંકા એ વખતે વ્યક્ત કરાયેલી.  રીમોટ કંટ્રોેલથી ચાલતાં ડ્રોન એરપોર્ટ પર ઉતારીને રીમોટ કંટ્રોલથી જ ધડાકા કરાયેલા. આ ડ્રોન કોણ મોકલ્યાં ને કોણ ડ્રોન ઓપરેટ કરતું હતું તેના વિશે આપણી પાસે આજેય કોઈ માહિતી નથી. 

આ હુમલાના બે દિવસ પછી  રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ જમ્મુના રત્નુચાક-કાલુચાક મિલિટરી એરીયામાં ડ્રોન ફરતું દેખાયું હતું.  જમ્મુના બહારના ભાગમાં આવેલી લશ્કરી છાવણી રત્નુચાક-કાલુચાક બ્રિગેડ હેડક્વાર્ટર છે. મિલિટરી એરીયામાં રાત્રે ચોકી કરી રહેલા જવાનોએ ડ્રોન ચકરાવા લઈ રહ્યું છે તેની જાણ પોતાના ઉપરીઓને કરીને ફાયરિંગ શરૂ કરી દીધું. 

આ ફાયરિંગના કારણે ડ્રોન થોડી વારમાં રફુચક્કર થઈ ગયું અને કોઈ દુર્ઘટના ના બની. બે કલાક પછી રાત્રે લગભગ દોઢ વાગ્યે ફરી ડ્રોન દેખાયું. પહેલાં ભાગી ગયેલું ડ્રોન જ પાછું આવેલું કે પછી નવું ડ્રોન આવેલું એ ખબર નથી પણ એક વાર ફાયરિંગ કર્યા પછી ડ્રોન પાછું આવે એ વાત ગંભીર હતી. જવાનોએ ઉપરી અધિકારીઓને જાણ કરીને ફરી ફાયરિંગ કરતાં ફરી ડ્રોન ભાગી ગયું.  

લશ્કરની ક્વિક રીએક્શન ટીમે આખા વિસ્તારને કોર્ડન કરીને હાઈ એલર્ટ જાહેર કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું તેથી ફરી ડ્રોન ના દેખાયાં પણ આ ઘટનાએ પાકિસ્તાન છેક આપણાં મિલિટરી બેઝ લગી ડ્રોન ઘૂસાડી શકે છે એ સાબિત થઈ ગયું હતું. આ ડ્રોન પાછાં પાકિસ્તાન ગયાં કે કાશ્મીરમાં જ ગાયબ થઈ ગયાં એ પણ ખબર નહોતી પડી. 

આ ઘટના પછી ડ્ર્રોન દેખાયાં હોય કે ડ્ર્ર્રોનથી વિસ્ફોટ કરાયાં હોય એવું બન્યું નથી પણ હવે એક વર્ષ પછી પાકિસ્તાને એ જ ખેલ માંડયો છે. આ ખેલ ખતરનાક છે કેમ કે તેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. તમે ગમે તેટલા સાબદા હો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરાતા હુમલામાં એકાદ વાર પણ થાપ ખાઈ જાઓ તો મોટું નુકસાન થઈ શકે. 

બીજું એ કે, અત્યારે પાકિસ્તાન આતંકવાદીઓને શસ્ત્રો સાથે ઘૂસાડે છે. તેના બદલે ડ્ર્રોન દ્વારા શસ્ત્રો મોકલી દેવાય ને આતંકવાદી પ્રવાસીના રૂપમાં ભારતમાં ઘૂસીને પછી તેનો ઉપયોગ કરી શકે.  આ રીતે ધીરે ધીરે થોડાં શસ્ત્રો, બોમ્બ વગેરે મોકલીને કાશ્મીર ખીણમાં તેનો ખડકલો કરાય ને પછી મોટો હુમલો કરાય એવું પણ બને. 

કાશ્મીરમાં બરાબર એક મહિના પછી અમરનાથ યાત્રા શરૂ થવાની છે. આ યાત્રામાં હજારો હિંદુ શ્રધ્ધાળુઓ ભાગ લે છે. આતંકવાદીઓએ ભૂતકાળમાં અમરનાથ યાત્રાને નિશાન બનાવીને હુમલા કર્યા જ છે. આ હથિયારો પણ એ ઉદ્દેશથી જ મોકલાયાં હોય એ શક્ય છે તેથી ચેકવું જરૂરી. ચેતતા નર સદા સુખી. 

એક વરસ પહેલાં જમ્મુ એરપોર્ટ પર બનેલી ઘટનામાં ટચૂકડાં ડ્રોનમાં આરડીએક્સ મોકલીને વિસ્ફોટ કરાયો હતો. ભવિષ્યમાં વધારે ખતરનાક વિસ્ફોટકો મોકલીને કે બાયોલોજિકલ વેપન્સ મોકલીને મોટા હુમલા કરાવી શકાય.  આ વખતે ડ્રોન નજરે ચડી ગયાં તેથી બચી ગયા પણ દરેક વાર એવું ના બને. આ સ્થિતીને નિવારવા માટે આપણે બહેતર સર્વેલન્સ સિસ્ટમ વસાવવી જોઈએ, વધારે સતર્ક થવું જોઈએ. નહિંતર બહુ મોટી કિંમત ચૂકવવી પડી શકે. 

પાકિસ્તાન નહીં પણ ચીનનું કારસ્તાન ? 

કાશ્મીરમાં તોડી પડાયેલું ડ્રોન પાકિસ્તાન તરફથી આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ દાવા સામે શંકા કરવાનું કોઈ કારણ નથી પણ એક શક્યતા એવી પણ વ્યક્ત કરાઈ રહી છે કે, પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને ચીન હથિયારો ઘૂસાડી રહ્યું છે. પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠનો ટેકનોલોજીમાં એટલાં મોડર્ન નથી કે ડ્રોન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે.  પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓ કાશ્મીરમાં રહેતા ગદ્દારોની મદદથી મોટા બ્લાસ્ટ કરાવી શકે કે આતંકવાદીઓને મોકલીને ફિદાઈન હુમલા કરાવીને મોટા પાયે નુકસાન પણ કરી શકે પણ હજુ સુધી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આ આતંકવાદીઓ હોંશિયાર છે એવા પુરાવા મળ્યા નથી. 

બીજી તરફ ચીન ટેકનોલોજીમાં પાવરધું છે. ટચૂકડાં રડારમાં ના પકડાય એવાં ડ્રોન બનાવવાં ચીન માટે ડાબા હાથનો ખેલ છે એ જોતાં ચીનનું કારસ્તાન હોઈ શકે છે. ચીન પાકિસ્તાની લશ્કરને જ્રોન આપતું હોય ને પાકિસ્તાની લશ્કર ભારતમાં ડ્રોન ઘૂસાડે એ શક્ય છે. ચીન અને પાકિસ્તાન એક જ છે. બીજી તરફ ચીન સાથે આપણા સંબધો સતત તણાવભર્યા રહે છે તેથી ચીનની સંડોવણીના શક્યતા નકારી ના શકાય. 

મેગ્નેટિક બોમ્બ-યુબીજીએલ ગ્રેનેડ શું છે ? 

કાશ્મીરમાંથી તોડી પડાયેલા ડ્રોનમાંથી સાત મેગ્નેટિક બોમ્બ અને સાત યુબીજીએલ ગ્રેનેડ્સ મળ્યાં છે. મેગ્નેટિક બોમ્બ્સને સ્ટિકી બોમ્બ પણ કહે છે. મેગ્નેટિક બોમ્બ એક પ્રકારની ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડીવાઈસ (આઈઈડી) જ છે પણ તેમાં પાવરફુલ મેગ્નેટ એટલે કે ચુંબક લગાવેલાં હોય છે. 

આ મેગ્નેટ વાહન કે ટેંકના મેટલ પર લગાવી દેવાય ને પછી રીમોટ કંટ્રોલથી વિસ્ફોટ કરાય છે. મેગ્નેટિક બોમ્બ ટચૂકડા હોય છે. વાહન પર લગાવીને કોઈ નિકળી જાય તો ખબર પણ ના પડે. આતંકીઓ વાહન-ટેંકની ફ્યુઅલ ટેંક પર મેગ્નેટિક બોમ્બ લગાવીને આખા વાહનને બોમ્બમાં ફેરવીને ભારે તબાહી સર્જી શકે છે. કાશ્મીરમાંથી સાત મેગ્નેટિક બોમ્બ મળ્યા હોવાથી આતંકી સાત હુમલા કરી શક્યા હોત. 

યુબીજીએલ ગ્રેનેડ લોંચર છે અને તેનો ઉપયોગ ગ્રેનેડ્સ છોડવા માટે થાય છે. દૂરથી ગ્રેનેડ છોડીને વાહનને ફૂંકી મારવા માટે આતંકીઓ યુબીજીએલનો ઉપયોગ કરે છે. કાશ્મીરમાં આતંકીઓ પાસે મોટા પ્રમાણમાં યુબીજીએલ છે. ડ્રોન દ્વારા તેમાં વાપરવા માટેના ગ્રેનેડ્સ મોકલાયા હતા.



https://ift.tt/IbaxEyL from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vXa97AT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ