વડોદરાઃ પ્લાસ્ટિકના વધી ગયેલા ઉપયોગે હવે તેના નિકાલ માટેની પણ સમસ્યા સર્જી છે.પ્લાસ્ટિકથી સર્જાતુ પ્રદૂષણ ઘટાડવા માટેની મથામણ વચ્ચે ગુજરાતના યુવાન અને તેની ટીમે કરેલા પ્રયાસની યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશને પણ નોંધ લીધી છે.
યુનાઈટેડ નેશન્સ એન્વાર્યમેન્ટ પ્રોગ્રામના ભાગરુપે ટાઈડ ટર્નર પ્લાસ્ટિક ચેલેન્જ નામની સ્પર્ધા યોજાઈ હતી.જેનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક પ્રદૂષણ કેવી રીતે ઓછુ કરી શકાય અને આ માટે જે સંસ્થાઓએ પ્રયાસો કર્યા હોય તેની નોંધ લેવાનો હતો.આ ચેલેન્જના ભાગરુપે જે ૬ અભિયાનને ભારત અને આફ્રિકામાંથી શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે તેમાં વડોદરામાં રહીને નવરચના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જયદીપ જાનીના દરિયા કિનારાના સફાઈ અભિયાનનો પણ સમાવેશ કરાયો છે.યુનાઈટેડ નેશન્સે પોતાની વેબસાઈટ પર જયદીપ જાની અને તેની સંસ્થા એન્વાર્યમેન્ટ કન્ઝર્વેશન યુથ ક્લબની કામગીરીની પ્રશંસા કરી છે.
જયદીપ જાની મૂળ ભાવનગર જિલ્લાના મહુવાનો છે અને વડોદરામાં રહીને અભ્યાસ કરે છે.જયદીપ કહે છે કે ,કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયુ તે પછી ઘરેથી જ ઓનલાઈન અભ્યાસ કરવાનો વારો આવ્યો હતો.કોરોનાના નિયંત્રણ હળવા થયા બાદ અમે ચાર મિત્રો મહુવાના ભવાની મંદિરના બીચ પર લટાર મારવા ગયા હતા અને ત્યાં કચરો અને ગંદકી જોઈને બીચની સફાઈ કરવાનો વિચાર આવ્યો હતો.આ વાત ૨૦૨૦ની છે.જયદીપ કહે છે કે, એ બાદ અમે ચાર મિત્રોએ ભેગા મળીને એન્વાર્યમેન્ટ કન્ઝર્વેશન યુથ ક્લબ બનાવીને બીચ ક્લીન કરવાનુ શરુ ર્ક્યુ હતુ.અહીંયા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી કચરો અને ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટ મોટા પાયે જમા થયો હતો.જે સાફ કરવાનુ અમે શરુ કર્યુ હતુ.અમારી પ્રવૃત્તિ જોઈને બીજા યુવાઓ પણ જોડાતા ગયા હતા.આજે અમારી સંસ્થામાં ૨૫૦ જેટલા યુવક-યુવતીઓ વોલિએન્ટર તરીકે જોડાયા છે.છેલ્લા ૮૬ સપ્તાહથી આ બીચ પરથી અમે કચરો ઉઠાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ૧૦ ટન જેટલો પ્લાસ્ટિક કચરો ઉઠાવ્યો છે.અમારી ઝૂંબેશના કારણે લોકોમાં પણ દરિયા કિનારા પર કચરો નહીં ફેંકવા માટે જાગૃતિ આવી રહી છે.
https://ift.tt/PdBMvsE
0 ટિપ્પણીઓ