નવી દિલ્હી, તા.૩
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ચીનની લોન એપ કેસમાં ડિજિટલ પેમેન્ટ કંપનીઓ પેટીએમ, રેઝોરપે અને કેશ ફ્રીના પરિસરો પર દરોડા પાડયા હતા. ચીનના લોકો દ્વારા નિયંત્રિત 'ગેરકાયદે' ઈન્સ્ટન્ટ સ્માર્ટફોન આધારિત લોન સાથે સંકળાયેલા કેસમાં ઈડીએ પીએમએલએની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી છે. ઈડીએ જણાવ્યું કે શુક્રવારે બેંગ્લુરુમાં પેમેન્ટ ગેટવે કંપનીઓના છ સ્થળો પર દરોડાથી શરૂઆત કરાઈ હતી. ઈડીએ દરોડા દરમિયાન મર્ચન્ટ આઈડી અને ચીનના લોકો તરફથી નિયંત્રિત કંપનીઓના બેન્ક એકાઉન્ટ્સમાં રખાયેલા ૧૭ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. વધુમાં ઈડીના દરોડા હજુ ચાલુ છે.
કેટલીક કંપનીઓ ઓનલાઈન એપના માધ્યમથી લોન્સ આપે છે. આ કંપનીઓ ગેરકાયદે રીતે કામ કરી રહી હતી. તેમાંથી મોટાભાગની ચીની એપ્સ છે. ઈડી આ સોદાઓમાં મની લોન્ડરિંગની સંભાવનાઓની તપાસ કરી રહી છે. ઈડીનું કહેવું છે કે કેટલીક કંપનીઓ ગેરકાયદે રીતે કમાણી કરી રહી છે. તેઓ ભારતીયોના દસ્તાવેજનો ગેરકાયદે ઉપયોગ કરી તેમને ડમી નિર્દેશક બનાવીને આવું કરી રહી છે.
ઈડીનું કહેવું છે કે એપ આધારિત 'ગેરકાયદે' ઈન્સ્ટન્ટ લોન કેસમાં એપ કંપનીઓનું નિયંત્રણ ચીની લોકોના હાથમાં છે. આ કંપનીઓ પેમેન્ટ ગેટવે અને બેન્કો પાસે રખાયેલા વિવિધ મર્ચન્ટ આઈડી તથા ખાતાના માધ્યમથી શંકાસ્પદ અને ગેરકાયદે વ્યવસાય કરી રહી હતી. રેઝોરપે પ્રાઈવેટ લિમિટેડ, કેશફ્રી પેમેન્ટ્સ અને પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ સાથે જ ચીની લોકો દ્વારા નિયંત્રિત કંપનીઓની તપાસ ચાલી રહી છે.
દેશમાં કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ ૨૦૨૦થી જ આ પેમેન્ટ ગેટવે કંપનીઓ ઈડીની રડારમાં હતી. ઈડીની કાર્યવાહી અંગે ત્રણેય કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીને સહકાર આપી રહી છે. પેટીએમના પ્રવક્તાએ કહ્યું કે, તપાસ એજન્સીઓ ચોક્કસ મર્ચન્ટ્સની તપાસ કરી રહી છે. અધિકારીઓએ અમને આ મર્ચન્ટ્સ અંગે ચોક્કસ વિગતો પૂરી પાડવા જણાવ્યું હતું અને અમે તુરંત જ તેમને સહકાર આપતા વિગતો આપી છે. અમે તપાસ એજન્સીને સહકાર આપવાનું ચાલુ રાખીશું. રેઝરપેએ કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી તેમના કેટલાક મર્ચન્ટ્સની કાયદાકીય એજન્સીઓ તપાસ કરી રહી છે. વર્તમાન તપાસના ભાગરૂપે અધિકારીઓએ આ મર્ચન્ટ્સ અંગે વધુ માહિતી માગી છે. કેશફ્રી પેમેન્ટ્સે જણાવ્યું કે, તેઓ તપાસ એજન્સીઓને કેવાયસી તથા અન્ય વિગતો પૂરી પાડી રહી છે. તેમની કામગીરી પીએમએલએ અને કેવાયસી નિર્દેશોને અનુરૂપ જ છે.
ઈડીએ કહ્યું કે તેનો મની લોન્ડરિંગ કેસ બેંગ્લુરુ પોલીસના સાઈબર ક્રાઈમ સ્ટેશન દ્વારા દાખલ કરાયેલી ૧૮ એફઆઈઆર પર આધારિત છે. ઈડીએ એમ પણ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અનેક ચીની લોન એપ કંપનીઓ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની વેબસાઈટ પર નોંધણી કરાવાયેલ સરનામા પર કામ નથી કરી રહી. તેઓ નકલી સરનામા પરથી ઓપરેટ કરી રહી છે. વધુમાં આ કેસ એવી કંપનીઓ અને વ્યક્તિઓ વિરુદ્ધ છે, જેઓ મોબાઈલ એપના માધ્યમથી નાની રકમની લોન લેનારા લોકો પાસેથી બળજબરીથી વસૂલી કરી રહી છે અને તેમનું શોષણ કરી રહી હતી.
ભારતમાં લોન એપથી છેતરપિંડી અને બદનામી થયા પછી આત્મહત્યાના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં ચીની નાગરિકોની સંડોવણી સામે આવી છે. તાજેતરમાં જ તામિલનાડુ પોલીસે લોન એપ કૌભાંડ પકડી પાડયું હતું. પોલીસે ચીનના બે નાગરિક સહિત ચાર આરોપીઓની ધરપકડ પણ કરી હતી.
દેશમાં ઝડપથી સાઈબર ક્રાઈમના કેસ વધ્યા છે અને લોકો મોટી સંખ્યામાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. એપથી તુરંત મળી રહેલી લોન લોકોને દેવાની જાળમાં ફાસવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ જાન્યુઆરી અને ફેબુ્રઆરી ૨૦૨૧ વચ્ચે ૮૧ એપ સ્ટોરની તપાસમાં જણાયું હતું કે તે સમયે ભારતમાં ૧,૧૦૦થી વધુ ડિજિટલ લોન એપ હયાત હતી. તેમાંથી આરબીઆઈએ લગભગ ૬૦૦ એપને ગેરકાયદે ગણાવી હતી. આરબીઆઈના નિર્દેશ પછી ગૂગલ પ્લે સ્ટોરને આ એપને પ્લે સ્ટોરથી હટાવવા નિર્દેશ પણ આપ્યા હતા.
https://ift.tt/RfH05G9 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PqvroR6
0 ટિપ્પણીઓ