ભારત લદ્દાખમાં ચીનની સરહદ નજીક એરબેઝ વિકસાવાશે


નવી દિલ્હી, તા.૧૦

પૂર્વીય લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીન વચ્ચે લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી તણાવપૂર્ણ સ્થિતિ છે. આ પરિસ્થિતિમાં ભારત ચીન સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં વ્યૂહાત્મક સ્થળો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે.

ભારતીય એરફોર્સે લદ્દાખમાં ચાંગથાંગ વન્યજીવ અભ્યારણ્ય પાસે ૫૦૮ હેક્ટર ક્ષેત્રમાં તેનો એરબેઝ વિકસાવવાની યોજના બનાવી છે, જેને રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ (એનબીડબલ્યુએલ)ની સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે. આ સિવાય કારાકોરમ વન્યજીવ અભ્યારણ્યોમાં સંરક્ષણને ધ્યાનમાં રાખી અન્ય નવ વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સને પણ મંજૂરી અપાઈ છે, જેમાં લેહ-ચાલુન્કા માર્ગને અપગ્રેડ કરવા ટી-સાલૂ ચાંગચેમો માર્ગ બનાવવા ચાંગથાંગ વન્યજીવ અભ્યારણ્યમાંથી ૧૦૭.૪૦૬ હેક્ટર જમીન અને ખાલસર-અધમ માર્ગ માટે કારાકોરમ વન્યજીવ અભ્યારણ્યમાંથી ૨૭.૫ હેક્ટર જમીન અપાશે.

એનબીડબલ્યુએલે આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ ૪૦-૫૦ કિ.મી. દૂર પૂર્વીય લદ્દાખમાં ચાંગથાંગ અભ્યારણ્યની ૧૨૫૯.૨૫ હેક્ટર જમીનનો માહે ફિલ્ડ ફાયરિંગ રેન્જ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. અત્યારે સમગ્ર પૂર્વીય લદ્દાખ સેક્ટરમાં આ જ એકમાત્ર ફાયરિંગ રેન્જ છે, જ્યાં દરેક પ્રકારના હથિયારોથી ફાયરિંગ કરી શકાય છે. એનબીડબલ્યુએલની સ્થાયી સમિતિએ રણનીતિકરૂપે મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ત્રણ મુખ્ય માર્ગોને અપગ્રેડ કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી છે. આ સિવાય ચાંગથાંગ અને કારાકોરમ વન્યજીવ અભ્યારણ્યોમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ પાથરવાની મંજૂરી અપાઈ છે.



https://ift.tt/CylLnh1 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Fgq06ed

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ