- અસરગ્રસ્તોને વિવિધ આવાસ યોજના હેઠળ આવાસ માટે બાંહેધરી અપાતા અસરગ્રસ્તોના સહયોગ સાથે ડિમોલીશન
- પાલિકાએ ભુતકાળમાં વસાવેલી ઝુંપડપટ્ટી હવે વિકાસના આડે આવી, અસરગ્રસ્તોના વિરોધ બાદ પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા માટે ખાતરી આપી
સુરત,તા. 24 મે 2022,મંગળવાર
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં પાલિકાએ ભુતકાળમાં વિકસાવેલી અનવર નગર ઝૂંપડપટ્ટીમાં હવે લાઈનદોરી મુકવામાં આવી છે. આ લાઇન દોરીનો અમલ કરવા માટે લિંબાયત ઝોને લાઈન દોરીના અમલ માટે નોટિસ આપતા વિવાદ ઉભો થયો હતો. ડિમોલીશન પહેલાં અસરગ્રસ્તોએ ધરણા કર્યા હતા. વિરોધ જોતાં ડિમોલિશનની કામગીરી અટકે તેમ હોવાથી પાલિકાએ અસરગ્રસ્તોને વિવિધ યોજના હેઠળ આવાસ આપવાની બાંહેધરી આપી હતી. આ બાંહેધરી બાદ આજે સવારથી અસરગ્રસ્તોના સહકારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરતના રીંગરોડને સાકાર કરવા માટે 1984-85માં રિંગ રોડ અને સિવિલ 4 રસ્તાથી પાંડેસરા-બમરોલી રોડના વિકાસ અર્થે સુરત મહાનગરપાલિકાએ અસરગ્રસ્ત પરિવારને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થાના ભાગરૂપે રિંગ રોડથી સ્થળાંતર કરીને ટી.પી.7 (આંજણા), ફા. પ્લોટ નં. 117 પર 10×12 નાં પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી. આ વસાહત ત્યારબાદ અનવર નગરના નામે ઓળખાતી હતી. ત્યાર બાદ હવે શહેરના વિકાસ થતાં આ ઝુંપડપટ્ટી વિકાસને અવરોધ રૂપ ગણીને ઝુંપડપટ્ટીને દુર કરી રસ્તો બનાવવા માટે પાલિકાએ નોટિસ આપી હતી.
પાલિકાની નોટિસ બાદ સ્થાનિકો દ્વારા ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ પાલિકાએ ભુતકાળમાં સ્લમ ફ્રી સિટી માટે ઝુંપડા દુર કરીને આવાસ આપવામા આવ્યા છે તેવી જ રીતે આ અસરગ્રસ્તોને આવાસ આપવામા આવે તે પ્રકારની માગણી કરી હતી. વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવે અને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે તો અસરગ્રસ્ત અને પાલિકા વચ્ચે સંઘર્ષ થાય તેવી શક્યતા હતી. તેથી પાલિકા તંત્રને રજૂઆત કરનારા અસરગ્રસ્તોને વિવિધ આવાસ યોજના હેઠળ આવાસ આપવા માટે બાંહેધરી આપી હતી જેના પગલે અસરગ્રસ્તો ડિમોલીશનનો વિરોધ કરવાના બદલે સહયોગ આપવાની તૈયારી બતાવી હતી. ત્યાર બાદ આજે મહાનગરપાલિકા લિંબાયત ઝોન, ટાઉન પ્લાનિંગ વિભાગ અને સલાબતપુરા પોલીસ સ્ટાફની હાજરીમાં ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડિમોલિશનની કામગીરીમાં અત્યાર સુધી કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી તેથી પાલિકા તંત્રને રાહત થઈ છે.
https://ift.tt/EHR9JG7 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/13Uuymi
0 ટિપ્પણીઓ