Breaking News

લોડ થઈ રહ્યું છે...

સલમાનને મારી નાખવા લોરેન્સ બિશ્નોઈએ ખરીદી હતી 4 લાખની રાઈફલ

મુંબઈ, તા. 12 જુલાઈ 2022,મંગળવાર

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કબૂલ્યું છે કે તેણે 2018માં અભિનેતા સલમાન ખાનને ઠાર મારવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. તે માટે તેણે 4 લાખ રૂપિયા ખર્ચીને ખાસ રાઈફલ પણ મગાવી હતી. 

પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં હાલ લોરન્સ પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. આ પહેલાં દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે જોધપુરમાં સલમાન ખાને બિશ્નોઈ સમુદાય માટે પૂજનીય મનાતાં ચિંકારાનો શિકાર કર્યો હતો. તેના બદલા રૂપે તેણે સલમાનને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. 

લોરેન્સે અગાઊ સંપત નહેરા નામના શૂટરને સલમાનને મારવા મુંબઈ મોકલ્યો હતો. જોકે, નહેરા પાસે માત્ર પિસ્તોલ હતી જેની રેન્જ બહુ લાંબી ન હતી. આથી સલમાન પર નિશાન સાધવા તેણે લોન્ગ રેન્જની રાઈફલ મગાવી લીધી હતી. દિનેશ ડાગરને આ રાઈફલ મોકલવા ઓર્ડર અપાયો હતો. તેના માટે ડાગરના સાગરિત અનિલ પાંડેને પૂરા પૈસા ચુકવી દેવાયા હતા. જોકે, 2018માં આ રાઈફલ ડાગર પાસેથી પોલીસે જપ્ત કરી લીધી હતી. 

લોરેન્સે તાજેતરમાં પણ કહ્યું હતું કે પોતે સલમાનને ચિંકારાના શિકાર માટે ક્યારેય માફ નહીં કરે. 

થોડા સમય પહેલાં સલમાનના પિતા સલીમ ખાનને બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ પાસે એક પત્ર મળ્યો હતો જેમાં તેમને અને સલમાનને બંનેને ઠાર કરવાની ધમકી આપવામાં આવી હતી. 

તે પછી સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તાજેતરમાં ઈદ નિમિત્તે પણ સલમાને તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર તેના ચાહકોને પોતાની ઝલક આપવાનું ટાળ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ જ સલમાનને આ વખતે જાહેરમાં નહીં આવવા સલાહ આપી હોવાનું કહેવાય છે.



https://ift.tt/jA1YTan

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ