
વડોદરાઃ પેપર સેટ કરવાના મુદ્દે એમ.એસ.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આર્ટસ ફેકલ્ટીના અધ્યાપકોને વોર્નિંગ લેટર મોકલ્યા બાદ અધ્યાપકોએ બાંયો ચઢાવી હતી.જોકે અધ્યાપકોના રોષને શાંત પાડવા માટે વાઈસ ચાન્સેલરને દરમિયાનગીરી કરવી પડી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાઈસ ચાન્સેલરે ફેકલ્ટીના ડીન, વાઈસ ડીન અને અન્ય એક સિનિયર અધ્યાપક સાથે એક બેઠક યોજી હતી અને તેમાં પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાને પણ હાજર રાખવામાં આવ્યા હતા.વાઈસ ચાન્સેલરે આ બેઠકમાં ખાતરી આપી હતી કે, પેપર સેટ કરવાના મુદ્દે અધ્યાપકોના રેકોર્ડમાં કોઈ જાતની નોંધ કરવામાં નહીં આવે અને અધ્યાપકો પર ભવિષ્યમાં પણ તેની કોઈ અસર નહીં પડે.
સાથે સાથે વાઈસ ચાન્સેલરે ખાતરી આપી હતી કે, આ સંદર્ભમાં નવસેરથી પરીક્ષા વિભાગ દ્વારા અધ્યાપકોને પત્ર પણ મોકલવામાં આવશે.તેમણે ડીન અને વાઈસ ડીનને અધ્યાપકો સેન્ટ્રલ એસેસમેન્ટ સેલની કામગીરીનો બહિષ્કાર ના કરે તે જોવા માટેની જવાબદારી પણ સોંપી હોવાની વિગતો જાણવા મળી છે.
સૂત્રોનુ કહેવુ છે કે, સત્તાધીશો દ્વારા થયેલી ડેમેજ કંટ્રોલની કવાયત બાદ હવે અધ્યાપકો સેન્ટ્રલ એસેસમેન્ટ સેલમાં ઉત્તરવહીઓ તપાસવાની કામગીરીનો બહિષ્કાર કરે તેવી શક્યતા ઓછી છે.
ઉલ્લેખનીય છે કે, પેપર સેટ કરવાના મુદ્દે મળેલા વોર્નિગ લેટર બાદ આર્ટસ ફેકલ્ટીમાં ભડકો થયો હતો.અધ્યાપકોનુ કહેવુ હતુ કે, પરીક્ષા શરુ થવાના એક સપ્તાહ પહેલા જ પેપર સેટ કરવા માટે અધ્યાપકોને ઓર્ડર મળ્યા હતા અને આમ છતા અધ્યાપકોએ ગણતરીના દિવસોમાં પેપર સેટ કરીને આપી દીધા હોવા છતા પરીક્ષા વિભાગ દ્વારા અધ્યાપકોને વોર્નિંગ લેટર મોકલવામાં આવ્યા હતા.
https://ift.tt/bAtzRSD
0 ટિપ્પણીઓ