નવી દિલ્હી : ભારતમાં ક્રૂડ ઓઇલની આયાત ૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં બમણી વધીને ૧૧૯ અબજ ડોલરે પહોંચી ગઇ છે. જેનું મુખ્ય રશિયા-યુક્રેન વય્ચેના યુદ્ધથી ૧૪ વર્ષની ટોચે પહોંચતા ઇંધણના વૈશ્વિક ભાવ છે.
ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી)ના આંકડા મુજબ વિશ્વના ત્રીજો સૌથી મોટો ઓઇલ વપરાશકાર અને આયાતકાર દેશ ભારતે નાણાંકીય વર્ષ ૨૦૨૨માં ક્રૂડ ઓઇલની ખરીદી પાછળ ૧૧૯.૨ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે જે તેની અગાઉના નાણાકીય વર્ષમાં ૬૨.૨ અબજ ડોલર હતો. ભારતની તેની ક્રૂડ ઓઇલની ૮૫ ટકા જરૂરિયાત આયાત મારફતે સંતોષે છે.
એકલા માર્ચ મહિનામાં જ્યારે ક્રૂડનો ભાવ ૧૪ વર્ષની ટોચે પહોંચી ગયો હતો ત્યારે તેણે ૧૩.૭ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે, જે વર્ષ પૂર્વેના ૮.૪ અબજ ડોલરની તુલનાએ વધારે છે. જાન્યુઆરીથી ક્રૂડમાં ઉછાળાની શરૂઆત થઇ માર્ચની શરૂઆતમાં કિંમત બેરલ દીઠ ૧૪૦ને સ્પર્શી ગયા બાદ હાલ લગભગ ૧૦૬ ડોલરની આસપાસ બોલાય છે.
પીપીએસીના આંકડા મુજબ, ભારતે વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૧.૨૨ કરોડ ટન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જે અગાઉના વર્ષમાં ૧૯.૬૫ કરોડ ટન હતી. જો કે, તે કોરોના પૂર્વેના વર્ષ ૨૦૧૯-૨૦માં થયેલી ૨૨.૭ કરોડ ટનની આયાત કરતાં ઓછી હતી. વર્ષ ૨૦૧૯-૨૦માં ઓઇલની આયાત પાછલ ૧૦૧.૪ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. આયાત કરાયેલા ક્રૂડ ઓઇલને ઓટોમોબાઈલ અને અન્ય વપરાશકર્તાઓને વેચવાની પહેલા ઓઈલ રિફાઈનરીઓમાં પેટ્રોલ અને ડીઝલ જેવા વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સમાં ફેરવવામાં આવે છે.
ભારતમાં વિતેલ વર્ષમાં ૨૦.૨૭ કરોડ ટન પેટ્રોલિયમ પેદાશની વપરાશ થઇ છે જે અગાઉના વર્ષમાં ૧૯.૪૩ કરોડ ટનથી વધારે છે પરંતુ કોરોના મહામારી પૂર્વેના વર્ષ ૨૦૧૯-૨૦ના ૨૧.૪૧ કરોડ ટન કરતાં ઓછી છે.
વિતેલ વર્ષમાં ૨૪.૨ અબજ ડોલરની મૂલ્યના ૪.૦૨ કરોડ ટન પેટ્રોલિયમ પેદાશની આયાત કરાઇ છે. તો બીજી બાજુ ૪૨.૩ અબજ ડોલરની મૂલ્યના ૬૧.૮ લાખ ટન જથ્થાની નિકાસ પણ કરાઇ હતી. ઉપરાંત ભારતે ૩૨ અબજ ક્યુબિક મીટર એલએનજીની આયાત પાછળ ૧૧.૯ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો.
આ નિકાસને એડજસ્ટ કર્યા બાદ ઓઇલ-ગેસની આયાતનું ચોખ્ખુ બીલ ૧૧૩ અબજ ડોલર નોંધાયુ છે જે અગાઉના વર્ષોમાં અનુક્રમે ૬૩.૫ અબજ ડોલર અને ૯૨.૭ અબજ ડોલર હતું.
https://ift.tt/xecupVH from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jkuSabe
0 ટિપ્પણીઓ