યોગી આદિત્યનાથના રાજમાં ઘર બેઠા PF
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રઘાન યોગી આદિત્યનાથે નિવૃત્ત થતા કર્મચારીઓને ખુશ કરી દેતા પગલાં ભર્યા છે. રાજ્ય સરકારમાંથી નિવૃત થતા કર્માચારીને પ્રોવિડન્ટ ફંડ માટે કોઇ ધક્કા ખાવા નહીં પડે એવી વ્યવસ્થા ગોઠવાઇ છે. કર્મચારી નિવૃત્ત થવાના હોય તેના એક મહિના પહેલાં તેના પ્રોવિડન્ટ ફંડની ફાઇલ શરૂ કરી દેવાય છે અને નિવૃત્તિના છેેલ્લા દિવસે તેના ખાતામાં પૈસા જમા થઇ જાય છે. કોઇ સંજોગોમાં વિગતો બાકી રહી ગઇ હોય તો કર્મચારીના ઘેર જઇને વિગતો મેળવી લેવાય છેે પરંતુ કર્મચારીને ધક્કા ખાવાની સિસ્ટમ બંધ કરી દેવાઇ છે. દરેક રાજ્યએ આ સિસ્ટમને અમલી બનાવવની જરૂર છે.
તાતા ચેરમેને ૯૮ કરોડનો ફ્લેટ ખરીદ્યો
તાતા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન લો પ્રોફાઈલ છે, કોઈ પણ વિવાદ કે પબ્લિસિટી વિના કામ કર્યા કરતા ચંદ્રશેખરને પરિવાર માટે મુંબઈમાં ૯૮ કરોડ રૂપિયામાં ડુપ્લેક્સ ખરીદતાં ચર્ચામાં આવી ગયા છે. મુંબઈના પોશ પેડર રોડ પરના ૨૮ માળના લક્ઝુરીયસ ટાવરમાં આવેલા ડુપ્લેક્સમાં ચંદ્રશેખરન પરિવાર સાથે છેલ્લાં પાંચ વર્ષથી રહેતા હતા.
હવે ૬ હજાર સ્ક્વેર ફીટનું ડુપ્લેક્સ તેમણે પોતે જ ખરીદી લીધું છે. ચંદ્રશેખરન ૨૦૧૭માં તાતા ગ્રુપના ચેરમેન બન્યા પછી પહેલી વાર અંગત કારણોસર ચર્ચામાં આવ્યા છે.
આ રકમ સામાન્ય લોકોને બહુ મોટી લાગે પણ ચંદ્રશેખરન માટે મોટી નથી. ચંદ્રશેખરનનો વાર્ષિક પગાર ૯૧ કરોડ રૂપિયા છે તેથી વરસના પગારમાં તેમણે ઘરનું ઘર ખરીદી લીધું.
મહિન્દ્રા જૂથનું વિભાજન થવાની વાતો
દેશનાં સૌથી મોટાં કોર્પોરેટ હાઉસમાંથી એક મહિન્દ્રા જૂથ પોતાના બિઝેનસને અલગ અલગ ત્રણ ડિવિઝનમાં વહેંચી નાંખશે એવી ગરમાગરમ અફવા ચાલી રહી છે. કંપનીએ સત્તાવાર રીતે તેનો ઈન્કાર કર્યો છે છતાં આ વાતો અટકવાનું નામ લેતી નથી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ૫૫ ટકા આવક ઓટો સેક્ટરમાંથી આવે છે. એસયુવી, ટ્રેક્ટર્સના વેચાણમાં કંપની દેશની ટોપ કંપનીઓમાંથી એક છે. હવે કંપની ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સમાં પણ આવી રહી છે. એવી વાતો છે કે, ઈટાલીની ઓટોમોબિલ પિનિનફરીના સાથે મળીને કંપની ઈલેક્ટ્રિક વ્હીકલ બિઝનેસને આગળ વધારશે.
ગ્રુપ ચેરમેન આનંદ મહિન્દ્રાને બે દીકરી જ છે તેથી પરિવારમાં વિખવાદ નથી પણ નવા બિઝનેસ પર ધ્યાન આપી શકાય તેથી વિભાજનની યોજના હોવાનું કહેવાય છે.
ક્રિપ્ટો કરંસી જોખમનું પડીકું છે...તમે સમજતા કેમ નથી?
નાણાપ્રધાન નિર્મલા સિતારામન ક્રિપ્ટો કરંસી બાબતે બહુ સ્પષ્ટ વલણ બતાવી રહ્યા છ. ક્રિપ્ટોની શરૂઆતથીજ ભારતમાં તેને મંજૂરી આપવાની બાબતે વિવાદ ચાલે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ કરંસીને માન્યતા નહોતી આપી છતાં ક્રિપ્ટો એક્સચેન્જ કાર્યરત રહ્યા હતા. ભારતે પ્રતિબંધ મુકતા ભારતનો ક્રિપ્ટો ડ્રેડ સિંગાપુર તરફ ખેંચાઇ ગયો છે. ભારતનું નાણા મંત્રાલય માને છે કે ક્રિપ્ટો કરંસી ત્રાસવાદ જેવા બળોને ભંડોળ પુરા પાડે છે. નાણાપ્રધાન નિર્મલા સિતારામન ક્રિપ્ટોની તરફેણમાં કશું સાંભળવા તૈયાર નથી. તે માને છે કે આ તો જોખમનું પડીકું છે તે દરેકે સમજી લેવું જોઇએ.
ઈન્ડોસ્ટાર ૬૬૭ કરોડની લોન જ ભૂલી ગઈ !
એક સમયે મોટી કંપની બનવાના અણસાર આપનારી નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની ઈન્ડોસ્ટાર કેપિટલ ફાયનાન્સમાં ભારે ગરબડ ગોટાળા થયાનું બહાર આવતાં કંપનીનું ભાવિ ધૂંધળું થઈ ગયું છે. કંપનીના ઓડિટમાં ગોટાળા લાગતાં ઓડિટ કમિટીએ અર્નેસ્ટ એન્ડ યંગને સ્વતંત્ર ઓડિટર નિમ્યા હતા.
ઓડિટમાં ખબર પડી કે, કંપની કોમર્શિયલ વ્હીકલ્સની ૬૬૭ કરોડની લોન જ ભૂલી ગઈ હતી. કંપનીએ હવે આ રકમની જોગવાઈ કરવી પડશે. કંપનીએ છેલ્લાં ક્વાર્ટરમાં ૧૫ કરોડ રૂપિયાનો નફો કરેલો એ જોતાં આ રકમ બહુ મોટી છે.
કંપનીએ આંકડાની માયાજાળ રચીને અત્યાર લગી નફો કરતી હોવાની માયાજાળ ઉભી કરી હતી. સ્વતંત્ર ઓડિટમાં હજુ ઘણાં હાડપિંજર બહાર આવશે એવું મનાય છે.
સુઝલોનમાંથી તુલસી તંતીને આઉટ કરાશે ?
દેવાના ડુંગર હેઠળ દબાયેલી સુઝલોન એનર્જીને બચાવવા માટે પ્રમોટર તુલસી તંતીને આઉટ કરી દેવાશે એવી વાતો ચાલી રહી છે. સુઝલોન એનર્જીએ મહિના પહેલાં જ લેણદારો સાથે કરેલી સોદાબાજીના કારણે તંતીનો હિસ્સો ઘટીને ૧૩ ટકા થઈ ગયો છે. કંપનીને આપેલી લગભગ ૪૧૦૦ કરોડ રૂપિયાની લોનને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાનું નક્કી થતાં હવે લેણદારોનો હિસ્સો વધીને ૩૪.૫ ટકા થયો છે. પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સ કંપની આરઈસી અને ઈન્ડિયન રીન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લેણદારોમાં મુખ્ય છે.
કંપનીનું મેનેજમેન્ટ બદલાય તો કંપની સારું પરફોર્મન્સ આપી શકશે એવું મનાય છે. મેનેજમેન્ટ બદલાવાની વાતે જ કંપનીના શેરમાં કરંટ દેખાવા માંડયો છે ને ભાવ ડબલ થઈ ગયો છે.
માત્ર અટકના કારણે ૨૬ અબજ ડોલરનો ફટકો
અલીબાબાના જેક માને બધા ઓળખે છે. તેમની કંપનીઓ અને ચીનની સરકાર વચ્ચે રાહુ-કેતુ જેવો સંબેધ છે. જેક માની કંંપનીના આઇપીઓને પણ ચીને અટકાવી દીધો હતો. તાજેતરમાં અલીબાબા જે પ્રંાતમાં છે ત્યાં પોલીસ કોઇ માની અટકવાળા ગુનેગારને શોઘતી હતી. જોતજોતીમાં એવી અફવા ઉડી કે અલીબાબાબાના જેકમાંને પકડવા પોલીસ આવી છે. પોલીસ કે જેકમાં પોતે કોઇ સાચી વાતની સ્પષ્ટતા કરે તે પહેલાં જેક માની કંપનીઓના શેર્સ તૂટી ગયા હતા અને ૨૬ અબજ ડોલરનો ચૂનો લાગી ગયો હતો. હકીકત એ હતી કે પોલીસ કોઇ અન્ય મા અટકવાળાને શોધતી હતી જે જેકમા કરતાં ૨૦ વર્ષ નાનો હતો. પોલીસે કાચુ કાપ્યું જેમાં મૂળ જેક માને ૨૬ અબજ ડોલરનો ચૂનો લાગી ગયો.
આવતા મહિને આ ચીજો ૧૦ ટકા મોંઘી થશે
મોંઘવારી અને ભાવવઘારાથી પરેશાન લોકોએ આવતા મહિનાથી જીવન જરૂરીયાતની બીજી ઘણી ચીજોના ઉંચા ભાવ ચૂકવવા પડશે. જીએસટીએ ૧૪૩ ચીજો પરના ટેક્સમાં વધારો કરવાની યોજના ઘડી છે. આ મુદ્દે રાજ્યોના અભિપ્રાય મંગાયા છે.
જીએસટી કાઉન્સિલ પાપડ, ચોકલેટ્સ, ચ્યુઈંગ ગમ, ડ્રાય ફ્રુટ્સ, ગોળ, કોલ્ડ્રિંક્સ, કપડાં, ક્લોધિંગ એસેસરીઝ, પરફ્યુમ્સ, ડીયોડ્રન્ટ્સ, ટીવી, પાવર બેંક, હેન્ડબેગ કસ્ટર્ડ પાવડર વગેરે ચીજો પરનો ટેક્સ વધારશે.
https://ift.tt/xDOAyrv from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WndNyGA
0 ટિપ્પણીઓ