Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: અમદાવાદ બ્લાસ્ટ કેસઃ 30 દોષિતોએ ફાંસીની સજાને હાઈકોર્ટમાં પડકારી

અમદાવાદ બ્લાસ્ટ કેસઃ 30 દોષિતોએ ફાંસીની સજાને હાઈકોર્ટમાં પડકારી


- 38 પૈકીના 30 દોષિતોએ પરિસ્થિતિજન્ય સાક્ષી પર નિર્ભર હોય તેવા કેસમાં મૃત્યુની સજા ન આપી શકાય એવા તર્ક સાથે પોતાને મળેલી ફાંસીની સજાને પડકારી

અમદાવાદ, તા. 03 સપ્ટેમ્બર, 2022, શનિવાર

ગત ફેબ્રુઆરી મહિનામાં વર્ષ 2008માં અમદાવાદ ખાતે થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે તે પૈકીના 30 દોષિતોએ પોતાને મળેલી સજાને પડકારતાં ગુજરાત હાઈકોર્ટના બારણે ટકોરા માર્યા છે. 

ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ કોર્ટે ફેબ્રુઆરી 2022માં અમદાવાદ બ્લાસ્ટ કેસના તમામ 49 દોષિતોને સજા ફટકારી હતી. કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા જ્યારે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારે તે પૈકીના 30 દોષિતોએ પરિસ્થિતિજન્ય સાક્ષી પર નિર્ભર હોય તેવા કેસમાં મૃત્યુની સજા ન આપી શકાય એવા તર્ક સાથે પોતાને મળેલી ફાંસીની સજાને પડકારી છે. 

આ પણ વાંચોઃ જાણો કઈ રીતે પકડાયા હતા અમદાવાદ બ્લાસ્ટ કેસના તમામ આરોપીઓ

ન્યાયમૂર્તિ વી. એમ. પંચોલી અને ન્યાયમૂર્તિ એ. પી. ઠાકરની પીઠે શુક્રવારના રોજ તેમની અરજીને સ્વીકારી લીધી હતી. દોષિતોએ વકીલ એમ. એમ. શેખ અને ખાલિદ શેખના માધ્યમથી પોતાની અરજી દાખલ કરાવી હતી. અરજી દ્વારા તેમણે હાઈકોર્ટ સમક્ષ દોષસિદ્ધિ અને મૃત્યુની સજાના આદેશ પર રોક લગાવવા અપીલ કરી હતી. જોકે કોર્ટે તેમની અપીલને ફગાવીને અલગથી અરજી દાખલ કરવા કહ્યું છે. 

અમદાવાદ-સુરતમાં થયેલા વિસ્ફોટોમાં 56 લોકોના મોત

26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ અને સુરતમાં થયેલા સીરિયલ બોમ્બ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી પણ વધારે લોકો ઘવાયા હતા. 

દોષિતોએ 180 પાનાંની અરજીમાં જણાવ્યું છે કે, અભિયોજનનો સમગ્ર કેસ પરિસ્થિતિજન્ય સાક્ષીઓ પર આધારીત હતો જે સ્વતંત્રરૂપે અને સંયુક્તરૂપે સાબિત નહોતો થયો. 

આ પણ વાંચોઃ UAPA કાયદા હેઠળ એકસાથે અનેક આરોપીઓને ફાંસી સંભાળવવાનો દેશનો સૌપ્રથમ કેસ

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wpLIN4Y https://ift.tt/lRDAtJ3

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ